Get The App

Video: ISROના વડા મોદીને ભેટીને રડી પડયા, PM પણ પીઠ થપથપાવતાં રડી પડ્યાં

Updated: Sep 7th, 2019


Google NewsGoogle News
Video: ISROના વડા મોદીને ભેટીને રડી પડયા, PM પણ પીઠ થપથપાવતાં રડી પડ્યાં 1 - image

બેંગાલુરૂ, તા. 7 સપ્ટેમ્બર 2019 શનિવાર

ભારતે મોકલેલું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાની થોડી સેકંડો પહેલાં ચંદ્રયાન-2 સાથેનો પૃથ્વી પરના વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી જતાં ઇસરોના ચેરમેન કે સિવન અપસેટ થઇ ગયા હતા અને ત્યાં હાજર રહેલા વડા પ્રધાનના ખભે માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યા હતા. વડા પ્રધાને એમને શાંત પાડ્યા હતા અને એમનો ઉત્સાહ વધાર્યો હતો.

વડા પ્રધાને તેમને કહ્યું કે આપણે ચોક્કસ સફળ થઇશું. આ સાહસના હવે પછીના તબક્કે પણ આપણે સફળ થવાના જ છીએ. દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કંઇક નવું શીખવી  જાય છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગો અને પ્રયાસો હોય છે.

ચંદ્રયાન ટુ સાથેનો સંપર્ક તૂટ્યો ત્યારે ઇસરોના બેંગાલુરુ ખાતેના વડા મથકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર હતા. ત્યારબાદ પરોઢિયે વડા પ્રધાન ફરી એકવાર ઇસરોના વડા મથકે પહોંચ્યા હતા અને વિજ્ઞાનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

વડા પ્રધાને કહ્યું કે હું આ સાહસ સાથે સંકળાયેલા તમામ વિજ્ઞાનીઓને સલામ કરું છું. કાલે રાત્રે હું તમારા સૌની માનસિક સ્થિતિ સમજી શકતો હતો. તમારા સૌની આંખો કંઇક કહી રહી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું જોઇ શક્યો હતો. હું તમને એટલુંજ કહીશ કે સમગ્ર દેશ આપની સાથે છે. તમે કેટલીય રાત્રિઓથી ઊંઘ્યા નહીં હો. 

આ સાહસ માટે તમે દિવસ રાત સખત મહેનત કરી છે. રાત્રે હું તમારી સાથે લાંબો સમય રહી શક્યો નહોતો. પરંતુ મને સતત એમ થતું હતું કે મારે પરોઢિયે ફરી એકવાર તમને મળવું જોઇએ. તમારી સાથે વાતો કરવી જોઇએ. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિના ચહેરા પર ઉદાસી હતી જ્યારે આપણે ચંદ્રયાન-ટુ સાથેનો સંપર્ક ગુમાવી દીધો. પરંતુ એ ક્ષણે હું પણ તમારી સાથે હતો.

ચંદ્રયાન ટુ મિશનને શનિવારે મોડી રાત્રે એક આઘાત લાગ્યો જ્યારે લેંડર વિક્રમ ચંદ્રમાથી માત્ર બે કિલોમીટર દૂર હતું ત્યારે ઇસરો સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના વડા મથકમાં હાજર રહેલા સૌ કોઇના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી. 


Google NewsGoogle News