ISRO અને ઈલોનની કંપની વચ્ચે ડિલ, ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ લોન્ચ કરશે Space X
ISRO and Elon Musk deal: ભારતીય અવકાશ એજન્સી ISROએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની Space X સાથે હાથ મિલાવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર મસ્કની કંપની Space X આગામી સપ્તાહની શરુઆતમાં ફાલ્કન 9 રૉકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 (GSAT N-2)ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે.
આ છે ડિલ પાછળનું કારણ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) અને Space X વચ્ચે અનેક ડિલ થઈ છે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ 4700 કિલોગ્રામનો ઉપગ્રહ ભારતીય રૉકેટ માટે ખૂબ જ ભારે હતો, તેથી તેને ફોરેન કોમર્શિયલ લોન્ચ માટે મોકલવામાં આવ્યો હતો. ભારતનું પોતાનું રૉકેટ 'ધ બાહુબલી' અથવા લોન્ચ વ્હીકલ માર્ક-3 મહત્તમ 4000થી 4100 કિલો વજનને અંતરિક્ષ કક્ષામાં લઈ જઈ શકતું હતું.
ભારત અત્યાર સુધી પોતાના ભારે ઉપગ્રહોને લોન્ચ કરવા માટે એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ વર્તમાનમાં તેની પાસે કોઈ પણ ઑપરેશનલ રૉકેટ નથી અને ભારત પાસે Space X સાથે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો. ચીનના રૉકેટ ભારત માટે અયોગ્ય છે અને યુક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા તેના રૉકેટ કોમર્શિયલ લોન્ચિંગ માટે ઓફર કરવા માટે સક્ષમ નથી.
કેમ ખાસ છે GSAT-N2
ISROએ 4700 કિગ્રા વજન ધરાવતું GSAT-N2નું નિર્માણ કર્યું છે, અને તેની મિશન લાઇફ 14 વર્ષ છે. આ એક સંપૂર્ણ કોમર્શિયલ લોન્ચ છે, જેનું સંચાલન NSIL દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપગ્રહ 32 યુઝર બીમથી સજ્જ છે, જેમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પર આઠ સંકીર્ણ સ્પોટ બીમ અને બાકીના ભારતમાં 24 વિસ્તૃત સ્પોટ બીમ સામેલ છે.
આ 32 બીમને ભારતની મુખ્ય ભૂમિમાં સ્થિત હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે. તે ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સક્ષમ કરવામાં પણ મદદ કરશે.
591 કરોડનો આવશે ખર્ચ
એવો અંદાજ છે કે 2C ભારતના સંચાર ઉપગ્રહને લઈ જવા માટે ફાલ્કન 9 રૉકેટના આ એક જ સમર્પિત કોમર્શિયલ લોન્ચનો ખર્ચ 60-70 મિલિયન ડોલર (લગભગ 591 કરોડ 34 લાખ) થશે.
એ વાત જાણીતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને બંને એકબીજાને મિત્ર કહે છે. બિઝનેસમેન ઈલોન મસ્ક પણ બંનેના મિત્ર છે. ઈલોન મસ્ક ઘણી વખત કહી ચૂક્યા છે કે હું ‘મોદીનો પ્રશંસક’ છું. હવે જોવાનું એ રહેશે કે શું મસ્ક ભવિષ્યમાં પણ ભારત સાથે બીજી મોટી ડિલ કરશે.