Israel-Palestine War: પેલેસ્ટાઈનના સમર્થનમાં AMUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સૂત્રોચ્ચાર સાથે કરી પગપાળા યાત્રા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
Israel-Palestine War: પેલેસ્ટાઈનના સમર્થનમાં AMUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સૂત્રોચ્ચાર સાથે કરી પગપાળા યાત્રા 1 - image

Image Source: Twitter

- વિદ્યાર્થીઓએ 'વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન' અને 'AMU સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન' જેવા પોસ્ટરો અને બેનરોને હાથમાં લઈને પ્રદર્શન કર્યું

અલીગઢ, તા. 09 ઓક્ટોબર 2023, સોમવાર

Israel-Palestine Conflict: ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં ગઈ કાલે પેલેસ્ટાઈનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ 'વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન' અને 'AMU સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન' જેવા પોસ્ટરો અને બેનરોને હાથમાં લઈને પ્રદર્શન કર્યું હતું.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે પરંતુ બીજી તરફ અલીગઢના AMUમાં વિદ્યાર્થીઓ દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

પેલેસ્ટાઈનના સમર્થનમાં આવ્યા AMUના વિદ્યાર્થીઓ

મીડિયા સાથે વાતચીત કરતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ કહ્યું કે, જે રીતે ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, જ્યારે યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તો દેશ અને દુનિયા યુક્રેનના સમર્થનમાં આવી જાય છે પરંતુ હવે પેલેસ્ટાઈન હાલમાં સંકટમાં છે તો કોઈ પણ રાજનેતા કે અન્ય સમાજના ઢંઢેરો પીટનારા લોકો મૌન ધારણ કરીને બેઠા છે.

આ વિદ્યાર્થીઓએ કહ્યું કે, આજે પેલેસ્ટાઈન સંકટમાં છે પરંતુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને એએમયુના તમામ વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈન સાથે ઉભા છે અને તેમના માટે દુઆ કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના લોકો આઝાદીની માંગ કરી રહ્યા છે પરંતુ તેમનેઆઝાદી આપવામાં નથી આવી રહી. પેલેસ્ટાઈનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

શનિવારથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સમર્થક આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યુ છે. ઈઝરાયલ પર રોકેટમારો કર્યા બાદ હમાસે ગાઝા પટ્ટીની સરહદો તોડી ઈઝરાયેલમાં પ્રવેશ કરીને નાગરિકોને નિશાન બનાવી તેમને બંધક બનાવી લીધા છે. જે બાદ ઈઝરાયલે પણ જબરદસ્ત તાકાતથી જવાબી કાર્યવાહી કરીને યુદ્ધની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં બંને તરફથી એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે.


Google NewsGoogle News