'ISIS પરથી આતંકવાદી સંગઠનનું લેબલ હટાવો', આતંકીની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
Supreme Court on ISIS : કુખ્યાત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના કથિત ભારતીય ચીફે કેન્દ્ર સરકારના આતંકવાદી સંગઠન જાહેર કરવાના નોટિફિકેશનને પડકાર્યું છે. સાકિબ નાચન અગાઉ પણ આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલો હતો. હાલમાં તેના ISIS સાથેના સંબંધો અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંતર્ગત જેલમાં છે. આજે જેલમાં બંધ ISISના કથિત ભારતના વડા અને આતંકવાદી સાકિબ નાચનની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
આતંકવાદી સંગઠનનું લેબલ દૂર કરવા માંગણી કરી
નાચને સુપ્રીમ કોર્ટને કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) અને અન્ય લોકો ઉપરથી આતંકવાદી સંગઠનનું લેબલ દૂર કરવા માંગણી કરી હતી. નાચને પોતાની અરજીમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરતી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી બે સૂચનાઓને રદ કરવાનો આદેશ આપવામાં આવે.
એમિકસ ક્યૂરીની મદદથી કોર્ટમાં કેસ રજૂ કરવાની સલાહ
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. તિહાર જેલમાં બંધ અરજદાર સાકિબ નાચન જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન હાજર થયો હતો. આ જોતાં જસ્ટિસ સૂર્યકાન્તે તેને કાયદાકીય મદદની ઓફર કરી અને એમિકસ ક્યૂરીની મદદથી કોર્ટમાં તેમનો કેસ રજૂ કરવાની સલાહ આપી. જસ્ટિસ કાંતે કહ્યું, અમે સૂચન કર્યું છે કે તમને એમિકસ ક્યુરી આપવામાં આવે. તમે એમના માધ્યમથી આવો. અમે તમને પણ સાંભળીશું."
સુપ્રીમ કોર્ટના જજની વાત પર આતંકી નાચને કહ્યું કે, હા, એવું થઈ શકે છે. આ પછી જસ્ટિસ કાંતે કહ્યું, "અમે તમારા માટે એમિકસ ક્યૂરી સાથે મીટિંગ ગોઠવી રહ્યા છીએ. આ પછી અમે તમારી અરજી પર વધુ વિચાર કરીશું." ન્યાયાધીશોએ સલાહ આપી હતી કે, સાકિબ એમિકસ ક્યુરીને મળે અને તેમને તેનો કેસ સમજાવે. સાકિબ આ માટે સંમત થતાં સુનાવણી સ્થગિત કરાઈ હતી.
યુવાનોને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપ
જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતા સાકિબ નાચનને મુખ્ય આરોપી બનાવ્યો હતો. સાકિબ નાચનની ડિસેમ્બર 2023માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર દેશભરમાં ISIS મોડ્યુલ ચલાવવાનો અને યુવાનોને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપ છે.
NIAએ આ કેસમાં સાકિબ નાચન ઉપરાંત હસીબ ઝુબેર મુલ્લા, કાશિફ અબ્દુલ સત્તાર બલેરે, સૈફ અતીક નાચન, રેહાન અશફાક સુસ, શગફ સફીક દિવકર, ફિરોઝ દસ્તગીર કુઆરી સહિત ઘણાને આરોપી બનાવ્યા હતા. તે આ લોકો સાથે મળીને મુસ્લિમ યુવાનોની ISISમાં ભરતી કરતો હતો. આ લોકોએ મહારાષ્ટ્રના થાણેમાં એક ગામને 'અલ શામ' એટલે કે ઈસ્લામિક શાસન હેઠળનો સ્વતંત્ર વિસ્તાર જાહેર કર્યો હતો. તેમની યોજના ભારતમાં આતંકવાદી હુમલાઓ કરી ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની હતી.
સાકિબ નાચન ભારતમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)નો અધિકારી રહી ચૂક્યો છે. તેને અગાઉ પણ બે આતંકવાદી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન વિલે પાર્લે અને 2002-2003માં મુલુંડ બોમ્બ વિસ્ફોટનો મામલો સામેલ છે. આ આતંકવાદી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપ છે કે 2017માં સજા પૂરી કર્યા બાદ તે ફરીથી કટ્ટરવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો.