Get The App

...તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
...તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત 1 - image


Nitin Gadkari Gave A Big Hint For Toll Tax: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલટેક્સથી પણ રાહત આપવા જઈ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટોલટેક્સને લઈને તમામની ફરિયાદનો ટૂંક સમયમાં અંત આવશે. મહત્ત્વની વાત એ છે કે, સરકારે બજેટ 2025માં 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ ન લગાવીને મોટી રાહતનું એલાન કર્યું હતું. ત્યારે હવે કેન્દ્ર સરકાર ટોલટેક્સને લઈને પણ મોટી રાહત આપવા જઈ રહી છે. 

ટોલટેક્સમાંથી ટૂંક સમયમાં રાહત મળશે

ઇન્ટરવ્યૂમાં જ્યારે ગડકરીને ટોલટેક્સમાંથી રાહત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'ટૂંક સમયમાં રાહત મળી જશે.' તેમણે આગળ કહ્યું કે, 'અમારી સ્ટડી પૂરી થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં એવી સ્કીમ લાવીશું જે ટોલના કારણે લોકોને થતી બધી સમસ્યાઓનો અંત લાવશે. જોકે, તેમણે આ અંગે વધુ વિગતવાર માહિતી ન આપી પરંતુ કહ્યું કે, પરંતુ હું ટૂંક સમયમાં એક એવી સ્કીમ લાવીશ અને તેને ખતમ કરી દઈશ.'

આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે રહેતાં 104 ભારતીયોને લઈને અમેરિકન સૈન્યનું વિમાન અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ

લોકો મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે

નીતિન ગડકરીએ આગળ કહ્યું કે, 'મારા પણ ઘણા કાર્ટૂન બનાવાય છે. લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે. લોકો ટોલને લઈને નારાજ છે. હું માત્ર એટલું જ કહી શકું છું કે આવનારા થોડા દિવસોમાં લોકોની આ નારાજગી દૂર થઈ જશે.

ટોલ કલેક્શન પદ્ધતિમાં મોટા ફેરફારના સંકેત

કેન્દ્રીય મંત્રીએ ટોલ કલેક્શનની પદ્ધતિમાં પણ ફેરફારનો સંકેત આપ્યો છે. જ્યારે ટોલ ટેક્સ માટે વારંવાર રોકવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જુઓ 99% ફાસ્ટટેગ છે.' ક્યાંય રોકાવાની જરૂર નહીં પડે. તેમણે સંકેત આપ્યો છે કે તેને સેટેલાઇટ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત સરકાર ઘણી નીતિઓ જારી કરશે.

ઇન્કમ ટેક્સમાં મોટી રાહત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કરતી વખતે મધ્યમ વર્ગને મોટી રાહત આપતા 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કરમુક્તિની જાહેરાત કરી હતી. પગારદાર કરદાતાઓ માટે રૂ. 75,000ના પ્રમાણભૂત કપાત સાથે હવે રૂ. 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગશે. આ ઉપરાંત સરકાર આ અઠવાડિયે ઇન્કમ ટેક્સ સંબંધિત એક નવું બિલ પણ રજૂ કરવા જઈ રહી છે.


Google NewsGoogle News