નીતિશ કુમાર ફરી પલટી મારશે? ભાજપ માટે ચિંતાજનક સમાચાર
Bihar Assembly Election 2024 : લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)ના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (JDU)એ 12 બેઠકો જીત્યા બાદ કિંગમેકરની ભૂમિકા આવી ગઈ છે, જેના કારણે જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ફરી પલ્ટીની પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હવે ફરી નીતીશની પલટીના સંકેતો સામે આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાએ નીતીશ કુમાર એનડીએનો સાથ છોડવાની તૈયારીમાં હોવાના સંકેત આપ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
નીતીશ કુમાર (CM Nitish Kumar)ની પલ્ટીની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે અને આ ચર્ચાનું મુખ્યકારણ ભાજપ (BJP)ના નેતા અશ્વિની ચૌબે (Ashwini Kumar Choubey) છે. જ્યારે ચૌબેને એનડીએ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, બિહારની વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ ભાજપની લીડરશિપ હેઠળ ચૂંટણી લડવી જોઈએ અને ભાજપના નેતૃત્વમાં જ સરકાર બનાવવી જોઈએ. બીજીતરફ RJD પણ સતત એવું કહી રહી છે કે, નીતીશ કુમાર ફરી પલટી મારી ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)માં જોડાઈ શકે છે.
લોકસભા ચૂંટણી પરિણામો બાદ નીતીશ કુમારની જ ચર્ચા વધુ
જ્યારથી લોકસભા ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા છે અને જેડીયુ 12 બેઠકો જીતીને કિંગમેકર બની ગયું છે, ત્યારથી નીતીશ કુમારની ચર્ચાઓ ખુબ થઈ રહી છે. બીજીતરફ ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી છે. આ ઉપરાંત તેના નેતૃત્વ હેઠળના NDAના સાથી પક્ષોએ કુલ 53 બેઠકો જીતી છે, આમ કુલ 293 સાંસદો ધરાવતો એનડીએ બહુમતમાં છે. જો નીતીશ કુમાર એનડીએનો સાથ છોડશે, તો પણ એનડીએની સરકાર યથાવત્ રહેશે, કારણ કે બહુમતીનો આંકડો 272 છે. ચંદ્રબાબુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 16 સાંસદો પણ એનડીએનો ભાગ છે, તેથી ભાજપ માટે આ બંને પક્ષોનો સાથ ખૂબ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
બિહારમાં એનડીએ એટલે નીતિશ કુમાર : સંજય ઝા
જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ કહ્યું કે, બિહારમાં એનડીએ એટલે નીતીશ કુમાર, આમાં કોઈ બેમત નથી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બિહાર ભાજપ અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ કહ્યું કે, તેઓ નીતિશ કુમારના નેતૃત્વમાં 2025ની વિધાનસભા ચૂંટણી લડશે.
નીતીશ કુમાર ટૂંક સમયમાં ઈન્ડિ ગઠબંધનમાં પરત ફરશે!
બીજીતરફ રાષ્ટ્રીય જનતાદળ (RJD)ના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં ભાજપ છોડી દેશે અને ઈન્ડિયા ગઠબંધનમાં પાછા ફરશે. આ પછી બિહારમાંથી ભાજપનો સફાયો થઈ જશે.