મસ્જિદના મૂળમાં મંદિરની શોધ કરવાની છૂટ કાયદો આપે છે ખરો? જાણો, શું કહે છે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ?
Places of Worship Act: છેલ્લા થોડા સમયથી ભારતમાં મસ્જિદ અને દરગાહોના મૂળમાં મંદિરો શોધવાની પ્રવુત્તિ જોર પકડી રહી છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ અને મધ્યપ્રદેશના ધારની કમલ મૌલા મસ્જિદથી શરૂ થયેલો સિલસિલો ઉત્તર પ્રદેશના સંભલની મસ્જિદ અને રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો ચાલુ જ છે. સંભલની શાહી જામા મસ્જિદ મૂળ હરિહર મંદિર હતું, એવા હિન્દુ પક્ષના દાવાને લીધે સર્જાયેલા વિવાદે હિંસક વળાંક લીધો હતો. આવા કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, દેશનો કાયદો આ બાબતમાં શું કહે છે? ચાલો, જાણીએ.
પૂજા સ્થળ સંબંધિત વિવાદને લગતો કાયદો આવું કહે છે
પૂજા સ્થળ સંબંધિત વિવાદમાં ‘પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ’ (પૂજા સ્થળ અધિનિયમ) લાગુ પડે છે. 1991માં દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ આ કાયદો કહે છે કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ, તેની ધાર્મિક પ્રકૃતિ અને ધાર્મિક ઓળખ સમાન રહેવી જોઈએ, તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થવા જોઈએ.
આ પણ વાંચોઃ Explainer: સંભલ જામા મસ્જિદ વિવાદ, અહીં મંદિર હતું કે નહીં એવો સરવે કરવાની જરૂર કેમ પડી?
તો પછી અયોધ્યાના રામ મંદિરના કેસમાં શું બનેલું?
પૂજા સ્થળ અધિનિયમ મુજબ પૂજા સ્થાનોની ધાર્મિક ઓળખ બદલવા માટે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી, કોઈ નવા કેસ શરૂ કરી શકાતા નથી. જોકે, અયોધ્યાના રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદને આ કાયદાના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેથી અયોધ્યામાં રામ મંદિર બની શક્યું.
ટીકાને પાત્ર ઠર્યો છે કાયદો
1991થી અમલમાં હોવા છતાં આ કાયદાની ઘણાં આધારો પર ટીકા પણ કરવામાં આવતી રહી છે. વિવિધ ધાર્મિક સંગઠનો અને વ્યક્તિગત રીતે પણ આ કાયદાને રતબાદલ કરવાની માંગ વખતોવખત ઊઠતી રહી છે.
શું કહે છે બંધારણીય નિષ્ણાતો?
બંધારણના નિષ્ણાત પ્રો. ફૈઝાન મુસ્તફાનું કહેવું છે કે, ‘આ કાયદો એ સિદ્ધાંત પર આધારિત છે કે ભૂતકાળમાં જે ભૂલો થઈ હતી તેને હવે કાયદા દ્વારા સુધારી શકાતી નથી. ભારતમાં મુસ્લિમો આવ્યા એ પહેલા પણ મંદિરો તોડવાની પરંપરા હતી જ, તેથી આવા વિવાદમાં પડવાનો કોઈ ફાયદો નથી.’
તો પછી આવા કેસમાં કોર્ટ અરજી કેમ સ્વીકારે છે?
આવા કેસમાં કોર્ટ અરજી સ્વીકારે છે જેના મૂળમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડની એક ટિપ્પણી છે. મે, 2022માં આવા જ એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, ‘જો કોઈ પૂજા સ્થળની 15 ઓગસ્ટ, 1947ના રોજની સ્થિતિને બદલવાનો ઈરાદો ન હોય, તો 1991નો પૂજા સ્થળના કાયદાને આધારે જે-તે પૂજા સ્થળની ધાર્મિક પ્રકૃતિની ખાતરી કરવા પર રોક લગાવી શકાય નહીં.’ જેનો અર્થ એવો કે, ધાર્મિક સ્થળને બદલવાનો ઈરાદો ન હોય તો તેનો ઈતિહાસ ઉવેખી શકાય, ત્યાં અગાઉ શું હતું એની તપાસ કરી શકાય. આ ટિપ્પણીને આધાર બનાવીને લોકોએ કોર્ટમાં અરજીઓ કરવા માંડી છે અને કોર્ટે તેનો સ્વીકાર પણ કરવા માંડ્યો છે.
ચીફ જસ્ટિસની ટિપ્પણીના મૂળમાં હતો આ કેસ
ઓગસ્ટ 2021માં વિશ્વ વૈદિક સનાતન સંઘ સાથે સંકળાયેલી પાંચ મહિલાઓએ વારાણસીની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને એવો દાવો કર્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની પશ્ચિમી દિવાલની પાછળ એક હિન્દુ પ્રાર્થના સ્થળ છે, જ્યાં તેમને પૂજા કરવાની છૂટ હોવી જોઈએ. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ઘણા હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે.
સર્વેનો આદેશ અપાયો અને પડકારાયો
અરજીના આધારે ન્યાયાધીશે મસ્જિદના પરિસરમાં મૂર્તિઓની હાજરીની ખાતરી કરવા માટે વીડિયોગ્રાફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ સમિતિએ આ આદેશને 1991ના કાયદાને આધારે અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ પહેલાં હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે સર્વે પર મનાઈ ફરમાવવાનો ઈન્કાર કરી દીધો હતો. એ જ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડે પેલી ટિપ્પણી કરી હતી, જેને લીધે હવે એક પછી એક અરજીઓ થતી જ રહે છે ને વિવાદો વધ્યા જ કરે છે.
પૂજા સ્થળ અધિનિયમને પડકારવામાં આવ્યો છે
1991ના પૂજા સ્થળ અધિનિયમને બંધારણીય આધાર પર સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાર અલગ-અલગ અરજીઓ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટના તત્કાલિન ચીફ જસ્ટિસ યુ. યુ લલિતે કેન્દ્ર સરકારને આ અરજીઓ પર બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું, પરંતુ બે વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ દિશામાં કોઈ કામ થયું નથી.