...તો કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? કોંગ્રેસના બંને ટોચના નેતાઓ વચ્ચે સહમતિ સધાયાની ચર્ચા
Karnataka Politics: કોંગ્રેસ શાસિત કર્ણાટકના નેતૃત્વમાં મોટું પરિવર્તન આવી શકે છે. જોકે, પાર્ટીએ સત્તાવાર રીતે આ વિશે કોઈ જ નિવેદન આપ્યું નથી. પરંતુ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના તાજેતરના નિવેદનથી આ અટકળો તેજ થઈ છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ કથિત રીતે નક્કી થયું હતું કે, અઢી વર્ષમાં મુખ્યમંત્રી બદલાઈ જશે. હાલ, નવા મુખ્યમંત્રીની હોડમાં સૌથી આગળ નાયબ મુખ્યમંત્રી શિવકુમાર જોવા મળી રહ્યા છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદનથી તેજ થઈ અટકળો
ગુરુવારે (23 જાન્યુઆરી) સિદ્ધારમૈયાના નિવેદનથી પહેલીવાર સંકેત મળ્યા કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શિવકુમાર વચ્ચે વાતચીત થઈ ગઈ છે. પત્રકારો દ્વારા મુખ્યમંત્રીને રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'અંતે હાઇકમાન્ડે જ દરેક વાત પર નિર્ણય લેવાનો છે'.
નેતૃત્વ પરિવર્તન વિશે આપ્યા સંકેત
હાલ, મુખ્યમંત્રીના આ નિવેદનને તેમના જૂના નિવેદનો સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. એકબાજુ પહેલાં તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની વાત સાથે નેતૃત્વ પરિવર્તનના સમાચારોનું ખંડન કરતા હતા. જોકે, હવે તેઓએ કહ્યું કે, 'હું મારા કર્તવ્યનું પાલન કરીશ. નેતૃત્વને લઈને પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય લેશે.'
30 મહિનાની સમજૂતી
નોંધનીય છે કે, વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી હતી. ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી પદ મેળવવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા. એવામાં પાર્ટીએ હસ્તક્ષેપ કરવો પડ્યો અને કથિત રીતે 30 મહિનાની સમજૂતી કરવામાં આવી. હવે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે 30 મહિના પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે બંનેના સમર્થકો નવા મુખ્યમંત્રી તરીકે પોતપોતાના નામને આગળ વધારી રહ્યા છે.
આ પણ વાંચોઃ શરદ અને અજિત પવાર વચ્ચે બંધબારણે બેઠકથી ભાજપમાં મૂંઝવણ, શું મહારાષ્ટ્રમાં નવા-જૂની થશે?
શિવકુમારે શું કહ્યું?
શિવકુમારે જૈન આધ્યાત્મિક ગુરુ ગુણાધર નંદી મહારાજ પાસે મુખ્યમંત્રી બનવાના આશીર્વાદ મેળવ્યા બાદ બુધવારે (22 જાન્યુઆરી) પાર્ટી પ્રતિ પોતાની વફાદારી બતાવી અને ટોચના પદ માટે કોઈપણ વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાને નકારી દીધી છે. જૈન ગુરુના આશીર્વાદ બાદ રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તનની અટકળો ફરી તેજ થઈ ગઈ છે.
શિવકુમારે હુબલી ઍરપૉર્ટ પર પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, 'આધ્યાત્મિક ગુરુ નેતાઓને પોતાની ઇચ્છાનુસાર આશીર્વાદ આપવા માટે સ્વતંત્ર છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. જોકે, પાર્ટીનો નિર્ણય સર્વોચ્ચ છે અને અમે તેનું પાલન કરીશું.'
કોંગ્રેસમાં આંતરિક તણાવ?
શિવકુમારની ટિપ્પણીઓને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં આંતરિક તણાવ વિશે અટકળો શાંત કરવાના પ્રયાસ રૂપે જોવામાં આવી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે, આ ઘટનાક્રમથી પાર્ટીની અંદર સંભવિત નેતૃત્વ પરિવર્તન વિશે ચર્ચા થઈ શકે છે.