શું દેશની સંસદમાં પૈસા લઈ જવા ગુનો છે? રાજ્યસભામાં કેમ થયો હોબાળો, જાણો નિયમ
Is it a Crime to Carry Money into Parliament? રાજ્યસભામાં નોટોના બંડલ મળી આવતાં હોબાળો મચી ગયો હતો. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે જણાવ્યું કે, ગુરુવારે 500 રૂપિયાની નોટનું બંડલ મળી આવ્યું હતું. નોટોનું આ બંડલ સીટ નંબર 222 પરથી મળી આવ્યું હતું. આ સીટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે.
અધ્યક્ષ ધનખરે કહ્યું કે, ગુરુવારે સુરક્ષા અધિકારીઓએ માહિતી આપી હતી કે સીટ નંબર 222 પાસે રોકડ મળ્યા હતા. આ મામલે નિયમાનુસાર તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યસભામાં નોટોના બંડલ મળવાની માહિતી મળતાં જ હોબાળો શરુ થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સિંઘવીનું નામ લેવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ મામલે તપાસ ચાલી રહી છે અને બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે (અધ્યક્ષ) તેમનું (સિંઘવી) નામ ના લેવું જોઈએ. ખડગેના આરોપો પર અધ્યક્ષ ધનખરે કહ્યું કે, 'મેં માત્ર એટલું જ કહ્યું છે કે, કઈ બેઠક પરથી રોકડ મળી છે અને તે સીટ કોને ફાળવવામાં આવી છે.'
સિંઘવીએ શું કહ્યું?
સિંઘવીએ સીટ પરથી નોટોનું બંડલ મળ્યું હોવાના સમાચારને નકારી કાઢ્યા હતા. સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું, 'મેં આ વિશે પહેલીવાર સાંભળ્યું. હું જ્યારે રાજ્યસભામાં જાઉં છું, ત્યારે 500 રૂપિયાની નોટ સાથે રાખું છું. હું બપોરે 12.57 વાગ્યે ગૃહમાં ગયો હતો. 1 વાગે ત્યાંથી નીકળી ગયો હતો. બપોરે 1 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી કેન્ટીનમાં અયોધ્યા પ્રસાદ સાથે હતો. ત્યાં બપોરનું ભોજન લીધું. એટલા માટે ગઈકાલે હું માત્ર 3 મિનિટ માટે જ ગૃહમાં ગયો હતો.'
તેમણે વધુમાં કહ્યું કે, કોઈ કોઈની સીટ પર કેવી રીતે આવી શકે અને ત્યાં કંઈ પણ રાખી શકે. આનો અર્થ એ છે કે, આપણી દરેકની આપણી પોતાની સીટ છે, આપણે તેને તાળું મારીને ચાવી ઘરે લઈ જઈએ છીએ. કારણ કે સીટ પર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે અને આવા આક્ષેપો કરી શકે છે. આની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.
શું તમે સંસદમાં નોટ લઈ જઈ શકતા નથી?
સંસદમાં નોટ લાવવા કે ન લાવવાનો કોઈ નિયમ નથી. કોઈપણ સાંસદ અંદર કેટલી ચલણ લઈ જઈ શકે તેની કોઈ મર્યાદા કે નિયમ નથી. એવા ઘણા સાંસદો છે જે ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી, તેઓ સંસદની અંદરની બૅંક શાખામાંથી પૈસા ઉપાડે છે અને ચેમ્બરમાં લઈ જાય છે.
તપાસ કઈ બાબતે કરવામાં આવશે?
સીટ પાસેની નોટોનું આ બંડલ ક્યાંથી આવ્યું તેની તપાસ થશે. અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો છે કે, તે માત્ર 500 રૂપિયાની નોટ લઈને જ ગૃહમાં જાય છે. આ મામલે તપાસ શરુ કરી દેવામાં આવી છે. જો કે, હવે આ બધું રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર પર નિર્ભર છે કે, તેઓ તપાસ દિલ્હી પોલીસને સોંપે છે કે અન્ય એજન્સીને સોંપે છે તે જોવાનું રહ્યું.