Get The App

'શું ભારતમાં લોકશાહી ખતરામાં છે...?' પશ્ચિમી દેશોને વિદેશમંત્રી જયશંકરે આપ્યો આવો જવાબ

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
Jaishankar On Democracy


Jaishankar On Democracy: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ગઈ છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

મ્યુનિક સુરક્ષા પરિષદમાં એસ. જયશંકરે પશ્ચિમી દેશોની ધારણા પર ઝાટકણી કાઢી

શુક્રવારે મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની ધારણા પર ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે પશ્ચિમ દેશો ઘણીવાર લોકશાહીને માત્ર તેની વિશેષતા તરીકે જ જુએ છે. તેમણે આ નિવેદન 'લાઈવ ટુ વોટ અનધર ડે: ફોર્ટીફાઈંગ ડેમોક્રેટિક રિઝિલિન્સ' પેનલ ચર્ચા દરમિયાન આપ્યું હતું, જેમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરી, યુએસ સેનેટર એલિસા સ્લોટકીન અને વોર્સોના મેયર રફાલ ટ્રુસ્કોવસ્કી પણ સામેલ હતા. 

લોકશાહી અંગે વિદેશ મંત્રીએ શું કહ્યું?

બેઠકમાં કેટલાક પેનલિસ્ટએ કહ્યું કે વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં છે. જોકે, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે 'હું લોકશાહીને લઈને આશાવાદી છું. હું હમણાં જ મારા રાજ્યની ચૂંટણીમાં ભાગ લઈને આવ્યો છું. ગયા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 90 કરોડ મતદારોમાંથી લગભગ 70 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ભારતમાં, મતોની ગણતરી એક જ દિવસમાં પૂર્ણ થાય છે.'

વિદેશમંત્રીએ વધુમાં કહ્યું, 'દાયકાઓ પહેલા કરતાં આજે 20% વધુ લોકો મતદાન કરે છે. તેથી, જો કોઈ કહે કે લોકશાહી વૈશ્વિક કટોકટીમાં છે, તો હું તેની સાથે સંપૂર્ણપણે અસંમત છું. ભારતમાં લોકશાહી જીવંત છે, મતદાન યોગ્ય રીતે થઈ રહ્યું છે અને અમે અમારા લોકશાહી માર્ગ વિશે આશાવાદી છીએ. અમારા માટે, લોકશાહીએ ખરેખર પરિણામો આપ્યા છે.'

લોકશાહી વ્યવસ્થા અને સમાજ કલ્યાણ

લોકશાહી પરના સેનેટર એલિઝા સ્લોટકીને નિવેદન  આપ્યું હતું કે, 'લોકશાહી તમારી થાળી ભોજનથી નથી ભરી દેતી.' તેના જવાબમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, 'મારા ક્ષેત્રમાં, લોકશાહી ખરેખર ભોજનથી થાળી ભરી જ દે છે. અમે લોકશાહી સમાજ છીએ, અને તેથી જ અમે 80 કરોડ લોકોને પોષણ સહાય પૂરી પાડીએ છીએ. તે માત્ર ભૂખને દૂર કરવા વિશે જ નથી, અને તે સ્વાસ્થ્ય વિશે પણ છે.'

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'વિશ્વના જુદા જુદા ભાગોમાં લોકશાહીની સ્થિતિ અલગ હોઈ શકે છે. કૃપા કરીને એવું ન માનો કે લોકશાહીનું સંકટ એક સાર્વત્રિક સત્ય છે. કેટલીક જગ્યાએ તે સારી રીતે કામ કરી રહ્યું છે અને કેટલીક જગ્યાએ નથી. જે ​​સ્થાનો સંઘર્ષ કરી રહ્યા છે તેઓએ પ્રામાણિકપણે સ્વીકારવાની જરૂર છે કે ત્યાં શા માટે સમસ્યાઓ ઊભી થઈ રહી છે.'

પશ્ચિમી દેશોની બેવડી નીતિ પર સવાલ

એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે, 'એક સમય એવો હતો જ્યારે પશ્ચિમી દેશો લોકશાહીને માત્ર તેમની વિશેષતા તરીકે જોતા હતા અને વૈશ્વિક દક્ષિણમાં બિન-લોકતાંત્રિક શક્તિઓને ટેકો આપતા હતા. આ હજુ પણ ચાલુ છે. હું તાજેતરની કેટલીક ઘટનાઓ તરફ ધ્યાન દોરી શકું છું, જ્યાં પશ્ચિમ તેના પોતાના દેશોમાં જે મૂલ્યો પસંદ કરે છે, તેને વિદેશમાં અપનાવવાનું ટાળે છે. તેથી જ ગ્લોબલ સાઉથના દેશો અન્ય દેશોની સફળતાઓ, ખામીઓ અને પ્રતિક્રિયાઓ પર ધ્યાનથી નજર રાખી રહ્યા છે.'

ભારતનું લોકશાહી મોડલ: પશ્ચિમ માટે એક ઉદાહરણ

જયશંકરે એમ પણ કહ્યું કે, 'તમામ પડકારો છતાં ભારતે લોકતાંત્રિક મોડલ અપનાવવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે તમે અમારા ક્ષેત્રને જુઓ છો, ત્યારે ભારત લગભગ એકમાત્ર એવો દેશ છે જેણે લોકશાહી જાળવી રાખી છે. જો પશ્ચિમ ખરેખર લોકશાહીની વૈશ્વિક સફળતા ઈચ્છે છે, તો તેણે તેના પોતાના પ્રદેશની બહાર પણ સફળ લોકશાહી મોડલ અપનાવવા જોઈએ.'

એસ. જયશંકરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત લોકશાહીને માત્ર પશ્ચિમી દેશોની વિશેષતા તરીકે જોતું નથી, પરંતુ તેને સાર્વત્રિક આકાંક્ષા તરીકે જુએ છે. ભારતીય લોકશાહીની તાકાત, તેની વિશાળ મતદારોની ભાગીદારી અને સામાજિક કલ્યાણ યોજનાઓને ધ્યાનમાં લેતા, એ કહેવું યોગ્ય રહેશે કે ભારતનું લોકશાહી મોડેલ અન્ય વિકાસશીલ દેશો માટે ઉદાહરણ બની શકે છે.

'શું ભારતમાં લોકશાહી ખતરામાં છે...?' પશ્ચિમી દેશોને વિદેશમંત્રી જયશંકરે આપ્યો આવો જવાબ 2 - image


Google NewsGoogle News