Get The App

મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ? ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી MVAમાં હડકંપ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ? ઠાકરે સાથે ભાજપના દિગ્ગજની ગુપચુપ મુલાકાતથી MVAમાં હડકંપ 1 - image


Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતાં જ શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે નવો જ ખેલ શરુ કરી દીધો હોવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત કયા કારણોસર થઈ તેના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ આ વાત સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં નવાજૂની થવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. 

ઉદ્ધવ-ફડણવીસ વચ્ચે મુલાકાત એટલે ‘પ્લાન બી’ ?

મળતા અહેવાલો મુજબ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) દ્વારા બેઠકનો પ્રસ્તાવ રખાયો હતો, જેમાં બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત વખતે કેટલીક ચર્ચાઓ થઈ છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તેની વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે રાજકીય વાતચીત થઈ છે, જોકે મામલો આગળ વધી શક્યો નથી.  મહાવિકાસ અઘાડી(Maha Vikas Aghadi)ના સાથી પક્ષ કોંગ્રેસ (Congress) અને શિવસેના યુબીટી (Shiv Sena UBT) વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે મતભેદ ચાલી રહ્યો છે. તેથી જ ઉદ્ધવ અને દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ની મુલાકાતને ઉદ્ધવનો ‘પ્લાન બી’ હોઈ શકે છે.

આ પણ વાંચો : ભાજપમાં ભાગમભાગ! ઉમેદવારોની યાદી જાહેર થતાં જ અનેક નેતાઓના પાર્ટીને 'રામ રામ'

ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસથી નારાજ ?

ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ ગઠબંધને ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપે તાજેતરમાં જ 99 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે એમવીએ દ્વારા હજુ સુધી એકપણ ઉમેદવારના નામ જાહેર કરાયા નથી. શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે, જેના કારણે ઠાકરે નારાજ થયા હોવાનું કહેવાય છે. આ મતભેદ વચ્ચે ઠાકરેએ ફડણવીસ સાથે મુલાકાત કરતાં રાજ્યમાં આગામી સમયમાં નવાજૂની થવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ભાજપની પૂર્વ નેતાએ જાહેર મંચ પર બહરાઈચ હિંસા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું, વિવાદ થતાં માફી માગી


Google NewsGoogle News