સંસદમાં 'જય પેલેસ્ટાઈન'નો નારો લગાવનારા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું પદ ખતરામાં? જાણો નિયમ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
સંસદમાં 'જય પેલેસ્ટાઈન'નો નારો લગાવનારા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું પદ ખતરામાં? જાણો નિયમ 1 - image


Image Source: Twitter

Asaduddin Owaisi Membership In Danger: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ યુદ્ધ પ્રભાવિત પશ્ચિમ એશિયાના ક્ષેત્ર પેલેસ્ટાઈનના સમર્થનમાં નારો લગાવ્યો હતો. જોકે, અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દેવાનો આદેશ આપ્યો છે પરંતુ સત્તા પક્ષના સભ્યો ઓવૈસી સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે, શું ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં?

સંસદ ચૂંટવા માટે સૌથી પહેલો નિયમ છે કે, તમારે ભારતનું નાગરિક હોવું જોઈએ. આ સાથે જ શપથમાં પણ સ્પષ્ટ છે કે, સાંસદ તરીકે વ્યક્તિ વિધિ દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખશે. આવી સ્થિતિમાં ઓવૈસીએ સંસદમાં શપથ ગ્રહણ કરતી વખતે એક અન્ય દેશના સમર્થનમાં નારો લગાવ્યો હતો જેને સંસદ નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય છે. હાલના નિયમો પ્રમાણે અસદુદ્દીન ઓવૈસીને કોઈ બીજા દેશ અથવા પેલેસ્ટાઈન પ્રત્યે નિષ્ઠા દર્શાવવાના કારણે તેમને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવી શકાય છે.

શું કહે છે અયોગ્યતા સાથે સબંધિત નિયમ?

- ભારતીય બંધારણની કલમ 102 હેઠળ સાંસદની અયોગ્યતાની જોગવાઈ છે. 

1. જો કોઈ સાંસદ ભારત સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકારના લાભના પદ પર હોદ્દો ધરાવતો હોવાનું જણાય તો સંસદમાં તેમના સભ્યપદને અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે.

2. જો તેમની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને કોર્ટે તેમને માનસિક રીતે અનફિટ ઠેરવ્યા હોય.

3. જો તેને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય (એવી વ્યક્તિ જે તેના દેવાની ચૂકવણી કરી શકતી નથી, અને જ્યાં સુધી તે તે સ્થિતિમાં રહે છે, ત્યાં સુધી તેને નાદાર ગણવામાં આવશે).

4. જો તે વ્યક્તિ ભારતનો નાગરિક છે અથવા તો તેમણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે. 

5. જો તેમને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈ કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હોય.

અહીં ચોથા પોઈન્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોઈ વ્યક્તિ ભારત સિવાય કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા રાખે છે તો તેમને સંસદના સભ્ય પદેથી અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે.

શું બોલી સરકાર?

ભાજપના એક અધિકારીએ મંગળવારે દાવો કર્યો કે, હૈદરાબાદના સાંસદને એક વિદેશી દેશ પ્રત્યે નિષ્ઠા બતાવવા માટે લોકસભાની સદસ્યતાથી અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે. સંસદના કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, તેમને કેટલાક સભ્યોથી પેલેસ્ટાઈનના ઉલ્લેખની ફરિયાદ મળી છે. તેમણે કહ્યું કે, હું ટિપ્પણીઓના સબંધમાં નિયમોની તપાસ કરીશ. રિજિજુએ કહ્યું કે, પેલેસ્ટાઈન અથવા કોઈ અન્ય દેશ સાથે અમારી કોઈ દુશ્મની નથી. મુદ્દો માત્ર એ છે કે, શપથ ગ્રહણ કરતી વખતે શું કોઈ સભ્ય દ્વારા કોઈ અન્ય દેશની પ્રશંસા કરતા નારો લગાવવો યોગ્ય છે? અમારે નિયમોની તપાસ કરવી પડશે. કેટલાક સભ્યો મારી પાસે આવ્યા હતા અને શપથના અંતમાં પેલેસ્ટાઈનના નારા લગાવવા અંગે ફરિયાદ કરી છે. 

ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ બંધારણની કલમ 102નો એક અંશ પોસ્ટ કર્યો. જે સંસદ સભ્યના રૂપમાં અયોગ્યતાનો આધાર નિર્ધારિત કરે છે. તેમણે કહ્યું કે, હાલના નિયમો પ્રમાણે અસદુદ્દીન ઓવૈસીએ એક વિદેશી રાજ્ય એટલે કે, પેલેસ્ટાઈન પ્રત્યે નિષ્ઠા દર્શાવવા માટે તેમને લોકસભા સભ્યપદથી અયોગ્ય ઠેરવી શકાય છે. 

શપથ ગ્રહણ કરતી વખતે શું બોલ્યા હતા ઓવૈસી?

હૈદરાબાદથી પાંચમી વખત ચૂંટાયેલા ઓવૈસીએ ઉર્દૂમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે શપથ ગ્રહણ કરતા પહેલા દુઆ વાંચી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણેમુસ્લિમો માટે AIMIM ના નારા લગાવવા ઉપરાંત પોતાના રાજ્ય તેલંગાણા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં પણ નારા લગાવ્યા અને 'જય પેલેસ્ટાઈન' કહ્યું. પેલેસ્ટાઈન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં છે. તેમના શપથ બાદ શાસક પક્ષના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો, જેના કારણે ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. 

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

આ મામલે AIMIM ચીફની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ ઘણું બધું કહી રહ્યા છે. મેં હમણા કહ્યું 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન.' આ કેવી રીતે વિરુદ્ધ છે. બંધારણમાં જોગવાઈઓ બતાવો. તમારે બીજાએ શું કહ્યું એ પણ સાંભળવાનું હતું. મેં એ જ કહ્યું જે મારે કહેવું હતું. મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું હતું તે વાંચો.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે પેલેસ્ટાઈનનો ઉલ્લેખ શા માટે કર્યો, તો તેમણે કહ્યું કે, તેઓ પીડિત છે. આ પહેલા જ્યારે વર્ષ 2019માં શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમણે પોતાની શપથનું સમાપન 'જય ભીમ, અલ્લાહ-ઓ-અકબર અને જય હિંદ' શબ્દો સાથે કર્યું હતું.


Google NewsGoogle News