એર ઈન્ડિયાના મુસાફરો રઝળી પડ્યા, જયપુરમાં પાયલોટ જતો રહ્યો અને ફૂકેતમાં ખામી સર્જાઈ
add caption |
Air India Flight Stuck: એર ઈન્ડિયાના મુસાફરો જયપુરમાં નવ કલાકથી રઝળી પડ્યા છે, તો ફૂકેતમાં પણ છેલ્લા 80 કલાકથી અનેક મુસાફરો અટવાયેલા છે. આ કારણસર અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એર ઈન્ડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
જયપુરમાં પાયલોટ ડ્યુટી પૂરી થતાં જતો રહ્યો
એર ઈન્ડિયાની પેરિસથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટના પાયલોટે પોતાની ડ્યુટી પૂરી થઈ જતાં જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ લેન્ડ કરાવી દીધી હતી. બાદમાં તે ફ્લાઈટ છોડીને જતો રહ્યો, જેના કારણે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો નવ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. બાદમાં તમામ મુસાફરોને માર્ગ પરિવહનની મદદથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
એઆઈ-2022 ફ્લાઈટે રવિવારે રાત્રે 10 વાગ્યે પેરિસથી ઉડાન ભરી હતી. જે સોમવારે સવારે 10.35 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. જો કે, ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. જેથી જયપુર એરપોર્ટ પર બપોરે 12.10 વાગ્યે ફ્લાઈટ લેન્ડ કરાવી પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પાસે ઉડાન માટે ક્લિયરન્સ મળવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ સિગ્નલ ન મળી અને તેનો ડ્યુટી ટાઈમ પણ પૂરો થઈ ગયો, જેથી તે ફ્લાઈટ મૂકીને જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ મતદાન દરમિયાન બુરખો હટાવીને ના કરો ચેકિંગ: સમાજવાદી પાર્ટીનો ચૂંટણી પંચને પત્ર
ફૂકેતમાં 80 કલાકથી મુસાફરો અટવાયા
ફૂકેતથી 100થી વધુ મુસાફરોને લઈને આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે ઉડાન જ ભરી શકી ન હતી. જેના લીધે મુસાફરો 80 કલાક ફૂકેતમાં જ અટવાયા હતાં. મુસાફરોના મતે, 16 નવેમ્બરે આ ફ્લાઈટ દિલ્હી આવવા રવાના થવાની હતી, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે છ કલાક મોડી હોવાનું કહી મુસાફરોને એરપોર્ટ પર રાહ જોવડાવી હતી. બાદમાં આ ફ્લાઈટે ઉડાન ભરી, પરંતુ અઢી કલાકમાં ફરી ફૂકેતમાં લેન્ડ થઈ ગઈ. આમ કરવા પાછળનું કારણ ટેક્નિકલ ખામી જણાવાયું હતું.
17 નવેમ્બરે પણ ફ્લાઈટ ઉડાન ભરી શકી ન હતી. એરલાઈને અમુક મુસાફરોને અન્ય ફ્લાઈટમાં દિલ્હી રવાના કર્યા હતા. પરંતુ હજી 40 મુસાફરો ફૂકેતમાં જ અટવાયા છે, જેમને વળતર આપવાનું વચન એર ઈન્ડિયાએ આપ્યું છે.