IPS ઓફિસર જ સેક્સ રેકેટ ચલાવતો, મહિલા પોલીસકર્મીએ ભાંડો ફોડ્યો, DSP, SHO પણ સંડોવાયેલા
Haryana IPS Operates Sex Racket: હરિયાણાના જીંદમાં મહિલા પોલીસકર્મીઓનો પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ આરોપી IPS અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાજપના રાજ્ય કક્ષાના પ્રમુખ મોહન લાલ બડોલીએ સોનીપતમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો એસપી સુમિત કુમાર દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ મામલાની યોગ્ય તપાસ કરાવશે.
7 મહિલા પોલીસકર્મીઓના ગંભીર આક્ષેપો
સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસએચઓ, ડીએસપી અને આઈપીએસ અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસએચઓ અને ડીએસપી બંને મહિલાઓ છે.
19 મહિલા પોલીસના નિવેદન લેવાયા
આ કેસમાં તપાસ કરનારા ફતેહાબાદ એસપી આસ્થા મોદીએ જણાવ્યા પ્રમાણે, 19 મહિલા પોલીસકર્મીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જે પૂર્ણ થયા બાદ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. પત્રમાં મહિલા પોલીસકર્મીઓએ કહ્યું કે એક મહિલા એસએચઓ, ડીએસપી અને એક એસપી અશ્લીલ પ્રવૃત્તિમાં સામેલ છે. જો કોઈ પોલીસકર્મી આ સતામણી સામે અવાજ ઉઠાવે છે તો તેનો એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ (ACR) બગડી જાય છે. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એસએચઓ અને આઈપીએસ અધિકારી વચ્ચે અવૈધ સંબંધ છે. તેમણે કહ્યું કે એસએચઓ મહિલા પોલીસકર્મીઓને આઈપીએસને સોંપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ડિજિટલ અરેસ્ટ પર બોલ્યા PM મોદી, લોકોને સાવચેત રહેવા આપી સલાહ, જાણો સમગ્ર વિગતો
વધુ શું હતું પત્રમાં...
પત્રમાં જણાવાયું હતું કે, જીંદના ધારાસભ્ય કૃષ્ણા મિધાના હસ્તક્ષેપને કારણે એક વિધવા મહિલા અધિકારીને આ રેકેટમાંથી ઉગારી લેવામાં આવી હતી. જો કે તેનો ACR ખરાબ કરવામાં આવ્યો હતો. આઈપીએસ ઓફિસર સુંદર દેખાતી મહિલા પોલીસકર્મીઓ પર નજર રાખે છે. એસપીની પત્ની અને બાળકો અન્ય જિલ્લામાં રહે છે. એક દિવસ એસએચઓ મને એસપીના નિવાસ સ્થાને લઈ ગયાં. જ્યાં મને ચા બનાવવાનું કહેવામાં આવ્યું પરંતુ જ્યારે હું ચા લઈને પાછી ફરી ત્યારે એસએચઓ મેડમ ત્યાંથી ગાયબ હતા. ત્યાં માત્ર એસપી હતા. એસપીએ મને દબાણપૂર્વક પોતાના સકંજામાં કસવા પ્રયાસ કર્યો, પરંતુ હું ત્યાંથી ભાગી જવામાં સફળ રહી.
પોલીસ અધિકારી જ ગેંગ ચલાવે છે
કેમ્પ ઓફિસ પહોંચ્યા બાદ એસએચઓને આ સંપૂર્ણ ઘટના વિશે જણાવ્યું તો તેઓ નારાજ થઈ ગયા અને કહ્યું, તેણે અધિકારીને સહયોગ આપવો જોઈએ. ત્યારબાદ મહિલા પોલીસ કર્મીએ ડીએસપી સમક્ષ પણ આ રજૂઆત કરી તો તેને જવાબ આપવામાં આવ્યો કે, પ્રમોશન જોઈતુ હોય તો સહયોગ આપવો પડશે. બાદમાં એસએચઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવી. તેનો ACR ખરાબ કરવાની ધમકી આપી. મહિલા પોલીસ કર્મીએ આ મામલે ન્યાય નહીં મળે તો આપઘાત કરી લેવાની ચીમકી પણ આપી. પત્રમાં એસએચઓ, ડીએસપી અને અન્ય અધિકારીઓ સાથે મળીને ગેંગ ચલાવી રહ્યા છે. ધનિક ઘરના યુવકોને અને છોકરાઓને ફસાવી હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ વસૂલી રહ્યા છે.