Get The App

કર્ણાટકમાં પ્રથમ પોસ્ટિંગ માટે જઇ રહેલા આઇપીએસનું અકસ્માતમાં મોત

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
કર્ણાટકમાં પ્રથમ પોસ્ટિંગ માટે જઇ રહેલા આઇપીએસનું અકસ્માતમાં મોત 1 - image


- મ.પ્ર.ના હર્ષવર્ધન કર્ણાટક કેડરના 2023 બેન્ચના આઇપીએસ

- વાહનનું ટાયર ફાટી જતાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા 26 વર્ષીય આઇપીએસનું મોત, ડ્રાઇવરને સામાન્ય ઇજા

હાસન : કર્ણાટકના હાસન જિલ્લામાં પોતાની પહેલી પોસ્ટિંગનો ચાર્જ સંભાળવા જઇ રહેલા આઇપીએસ અધિકારીનું રસ્તામાં અકસ્માતથી મોત થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર કર્ણાટક કેડરના ૨૦૨૩ બેન્ચના આઇપીએસ અધિકારી ૨૬ વર્ષીય હર્ષવર્ધન મધ્યપ્રદેશના રહેવાસી હતાં. 

 દુર્ઘટના રવિવાર સાંજે બની હતી. તેમણે જણાવ્યું હતું કે હાસન તાલુકાના કિટ્ટાનેની પાસે પોલીસ વાહનનું ટાયર ફાટી જતાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દેતા વાહન સડક કિનારે એક મકાન અને વૃક્ષ સાથે ટકરાયું હતું. 

 વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકેની ડયુટી પર રિપોર્ટ કરવા માટે હાસન જઇ રહ્યાં હતાં. 

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે  વર્ધનના માથામાં ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. જ્યારે ડ્રાઇવર મનજેગોવડાને સામાન્ય ઇજા થઇ હતી. આ આઇપીએસ અધિકારીએ તાજેતરમાં જ મૈસુર સ્થિત કર્ણાટક પોલીસ એકેડમીમાં  ચાર સપ્તાહની ટ્રેઇનિંગ પૂર્ણ કરી હતી. આઇપીએસ અધિકારીના પિતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે. 

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ અધિકારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે હાસન-મૈસુર હાઇવે પર પ્રોબેશનરી આઇપીએસ અધિકારી હર્ષ બર્ધનના મોતના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. આ ખુબ જ દુ:ખદ છે આ અકસ્માત એવા સમયે થયો જ્યારે તે આઇપીએસ અધિકારીનો કાર્યભાર સંભાળવા માટે જઇ રહ્યાં હતાં.


Google NewsGoogle News