26 વર્ષના IPS અધિકારીનું મોત, પહેલી પોસ્ટિંગ માટે જતાં સમયે કારનું ટાયર ફાટતાં અકસ્માત
IPS officer Harsh Vardhan died in an accident : કર્ણાટકના હસન જિલ્લામાં પોતાની કારકિર્દીની પહેલી પોસ્ટિંગનો ચાર્જ સંભાળવા જઈ રહેલા કર્ણાટક કેડરના ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી હર્ષવર્ધનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
વાહનનું ટાયર ફાટતા થયો અકસ્માત
આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. હર્ષવર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફરજ પર જવા માટે હસન જઈ રહ્યા હતા, ત્યારે હસન તાલુકામાં કીટ્ટાને વિસ્તાર નજીક પોલીસના વાહનનું ટાયર ફાટ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કાર રસ્તાની બાજુના મકાન અને ઝાડ સાથે અથડાઈ હતી.
સારવાર દરમિયાન થયું મૃત્યુ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હર્ષવર્ધનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તત્કાલીન તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે ડ્રાઈવર મંજેગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી. હર્ષવર્ધને તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાં ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરી હતી.
પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી પરિવાર આઘાતમાં
હર્ષ વર્ધનનો પરિવાર મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં રહે છે. તેમની ઉંમર 26 વર્ષની હતી. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. વર્ધને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ 2022-23ના કર્ણાટક કેડર બેચના IPS અધિકારી હતા. હસનના પોલીસ અધિક્ષક મોહમ્મદ સુજિત અને સહાયક પોલીસ અધિક્ષક વેંકટેશ નાયડુએ પણ હર્ષવર્ધનને શ્રદ્ધાંજલિ આપી હતી.