IPL સ્ટાર બેટરના પિતાનું નામ બૅન્ક કૌભાંડમાં સંડોવાયું, કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી
Naman Ojha : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટર નમન ઓઝાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેના પિતા વિનય ઓઝાને બૅંક કૌભાંડના કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 11 વર્ષ બાદ આ કેસમાં ચૂકાદો આવ્યો હતો. વિનય ઓઝાને મધ્યપ્રદેશના બેતુલ સ્થિત બૅંક ઑફ મહારાષ્ટ્ર કૌભાંડના કેસમાં આપવામાં આવી છે. આ કેસમાં વિનય સહિત 4 લોકોને સજા ફટકારવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં બેતુલના મુલતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જૌલખેડા ગામમાં બૅંક ઑફ મહારાષ્ટ્રની શાખામાં 1.25 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું.
કોણ હતું કૌભાંડનું માસ્ટરમાઇન્ડ?
પોલીસે આ કેસમાં 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો. મુલતાઈ એડિશનલ સેશન્સ કોર્ટે 24 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર બૅંક શાખા જૌલખેડામાં કૌભાંડના કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં માસ્ટરમાઇન્ડ અભિષેક રત્નમ અને અન્ય આરોપીઓને સજા કરવામાં આવી છે. અભિષેક રત્નમને 10 વર્ષની જેલ અને 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે વિનય ઓઝા બૅંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર હતા. પોલીસે વિનયને પણ આરોપી બનાવ્યો હતો. તેમને 7 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
આ સિવાય બૅંકમાં દલાલીનું કામ કરનાર ધનરાજ પવાર અને લખન હિંગવેને 7 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડની સજા આપવામાં આવી હતી. આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભિષેક રત્નમે બૅંક અધિકારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને વર્ષ 2013માં આવું કૌભાંડ કર્યું હતું. તે સમયે નમન ઓઝાના પિતા વિનય ઓઝા પણ આ જ બૅંકમાં પોસ્ટેડ હતા. આ કૌભાંડમાં તેનું નામ પણ સામે આવ્યું હતું.
બૅંક અધિકારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને કર્યું કૌંભાંડ
સરકારી વકીલ રાજેશ સાબલેએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બૅંક અધિકારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને આ કૌંભાંડ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન બૅંક કેશિયર દીનાનાથ રાઠોડનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ટ્રેઇની બ્રાન્ચ મેનેજર નિલેશ છાત્રોલે કે જેમનું આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને કોર્ટે નિર્દોષ ગણાવીને છોડી મૂક્યો હતો. કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી હતી. ઍડ્વૉકેટ વિશાલ કોહ્ડે કહ્યું હતું કે, બૅંક ઑફ મહારાષ્ટ્રમાં અભિષેક રત્નમ અને વિનય ઓઝાએ એજન્ટોના માધ્યમથી બોગસ ખાતાં ખોલાવીને સવા કરોડનું કૌભાંડ કર્યું હતું.
નમન ઓઝાની ક્રિકેટ કારકિર્દી
અહીં તમને જણાવી દઈએ કે નમન ઓઝાએ એક ટેસ્ટ અને એક વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 56 રન અને વનડેમાં 1 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે T20Iમાં 12 રન બનાવ્યા હતા. નમન ઓઝાએ IPLમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે IPLમાં કુલ 113 મેચ રમીને 1554 રન બનાવ્યા હતા.