આઈફોન ભૂલથી દાનપેટીમાં પડયો, મંદિર ટ્રસ્ટે કહ્યું હવે તે ભગવાનની સંપત્તિ થઈ ગયો !
- તમિલનાડુનો ચોંકાવનારો કિસ્સો
- 1975ના હુંડીના નિયમો અનુસાર, મંદિર દાન પરત આપી શકે નહીં
ચેન્નઈ : તમિલનાડુના તિરુપોરુર સ્થિત અરુલમિગુ કંદાસ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના ટ્રસ્ટ પર એક શ્રદ્ધાળુએ તેનો મોબાઈલ ફોન પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે.
વિનાયગપુરમ વિસ્તારના રહેવાસી દિનેશના જણાવ્યા અનુસાર, મંદિરની દાનપેટીમાં ભૂલથી તેનો આઈફોન પડી ગયો હતો. જ્યારે, તેણે મંદિર ટ્રસ્ટ પાસે પોતાનો ફોન પરત માંગ્યો ત્યારે, તેમણે દાનપેટીના કોઈપણ સામાનને ભગવાનની સંપત્તિ ગણાવી હતી. મંદિર ટ્રસ્ટે જ્યારે શુક્રવારે દાનપેટી ખોલી ત્યારે તેમાંથી આઈફોન મળી આવ્યો હતો.
દિનેશની માંગ પર મંદિરે જણાવ્યું કે, તેને જરૂર હોય તો ફોનનો ડેટા લઈ શકે છે. દિનેશે ડેટા લેવાની ના પાડીને ફોન પરત માંગ્યો હતો. તમિલનાડુ સરકારના ધાર્મિક વિભાગે પણ મંદિરની વાત પર મહોર મારતા કહ્યું કે, દાનપેટીની તમામ વસ્તુ ભગવાનના ખાતામાં જાય છે.
તમિલનાડુમાં આ પ્રકારનો ભલે આ પહેલો મામલો હોય પરંતુ, કેરળના અલપ્પુઝામાં એસ. સંગીતા નામની મહિલાની ૧.૭૫ તોલાની સોનાની ચેઈન દાનપેટીમાં પડી ગઈ હતી. સીસીટીવીની તપાસ કરીને મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાને લઈને મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષે તેમના પર્સનલ ખર્ચે મહિલાને સોનાની ચેઈન બનાવી આપી હતી. જાણકારે જણાવ્યું કે, ૧૯૭૫ના હુંડીના નિયમો અનુસાર, દાનપેટીમાં નાખેલું દાન પરત આપી શકાય નહીં.