કોરોના કરતા પણ 20 ગણો વધુ ખતરનાક છે નિપાહ વાયરસ, મૃત્યદર 40-70 ટકા જેટલો : ICMR
કેરળમાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત બાદ ખળભળાટ
નિપાહ વાયરસના સંક્રમિત દર્દિઓના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા 1080 થઈ
દુનિયા કોરોના વાયરસના આતંકથી વાકેફ છે. ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ પર અન્ય ઘણા પ્રકારના વાયરસ જોવા મળ્યા છે. આ જ રીતે હાલ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત અને પાંચ શંકાસ્પદ લોકોની પુષ્ટિ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR)ના ડીજી રાજીવ બહલે ડેટા જાહેર કર્યો છે.
નિપાહ વાયરસમાં મૃત્યુદર 40-70 ટકાની વચ્ચે
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, નિપાહ વાયરસમાં મૃત્યુદર 40-70 ટકાની વચ્ચે છે. આ ઉપરાંત, નિપાહ વાયરસને રોકવા માટે, કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ICMR ચીફે કહ્યું, 'વર્ષ 2018 માં, અમે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના કેટલાક ડોઝ લીધા હતા. હાલમાં આ ડોઝ માત્ર 10 દર્દીઓ માટે ઉપલબ્ધ છે. 20 વધુ ડોઝ ખરીદી રહ્યા છીએ. પરંતુ આ દવા ઇન્ફેકશનના પ્રારંભિક તબક્કામાં આપવી પડે છે.'
નિપાહ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક
આ સિવાય તેમણે કહ્યું કે આ વાયરસથી ઇન્ફેક્ટેડ 100 લોકોમાંથી 40-70 લોકોના મોતનો ખતરો છે. રાજીવ બહલે કહ્યું કે કોરોના ચેપમાં મૃત્યુ દર માત્ર 2-3 ટકા હતો. નિપાહમાં સંક્રમિત લોકોનો મૃત્યુદર સરખામણીમાં ઘણો વધારે છે. જે 40 થી 70 ટકા વચ્ચે છે. હાલમાં તેના ઇન્ફેકશનથી બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
નિપાહ માણસોમાંથી માણસોમાં ફેલાય છે
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પુષ્ટિ કરી કે આ વાયરસનો બાંગ્લાદેશી સ્ટ્રેન છે અને તે માણસથી માણસમાં ફેલાય છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેણે એ પણ જણાવ્યું કે આ પ્રકાર ઓછો ચેપી છે પરંતુ તેનો મૃત્યુદર વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, આ વાયરસનો કોઈ ઈલાજ કે રસી નથી, આથી હાલ તેનાથી બચવું જ એ એકમાત્ર ઉપાય છે.