ખેડૂત સંગઠનની હરિયાણાથી દિલ્હી કૂચની જાહેરાત, 7 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, પોલીસ કાફલો ખડકાયો
MSP ગેરંટી એક્ટ સહિતની માંગણીઓને લઈ ખેડતો 13 ફેબ્રુઆરીએ હરિયાણા થઈ દિલ્હી કૂચ કરશે
હરિયાણા-પંજાબની ત્રણે બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાઈ, શંભુ બોર્ડર પર સીમેન્ટના બેરિકેટ અને ક્રોંક્રિટની દિવાલો ઉભી કરાઈ
Farmers Protest : MSP ગેરંટી એક્ટ સહિતની માંગણીઓને લઈ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ફરી સરકાર સામે બાયો ચઢાવી છે. ખેડૂત સંગઠનોએ ફરી દિલ્હી કૂચ કરવાની તૈયારીમાં છે, જેના પગલે હરિયાણા-પંજાબની ત્રણેય બોર્ડરો પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. સુરક્ષાને ધ્યાને રાખી શંભુ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ હરિયાણા-પંજાબની ત્રણેય બોર્ડરો પરથી હરિયાણાથી દિલ્હી પહોંચવાની જાહેરાત કરી છે. ખેડૂતોની જાહેરાતને પગલે હરિયાણાના સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે, તેમાં અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, સિરસા, હિસાર અને ફતેહાબાદ સામેલ છે.
હરિયાણા-પંજાબની ત્રણેય બોર્ડર પર પોલીસ કાફલો ખડકાયો
સરકારે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી 11 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરીની રાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ સ્થિતિનો તાગ મેળવી નિર્ણય લેવાશે અને જરૂરી પગલા ભરાશે. બીજીતરફ હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી કૂચ આંદોલનને ધ્યાને રાખી હરિયાણા-પંજાબ સ્થિત શંભુ બોર્ડર સીલ કરી દીધી છે. હાલ આ બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરાયા છે.
શંભુ બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાયું
ખેડૂતો ટ્રેક્ટર સાથે પ્રવેશ ન કરી શકે તે માટે શંભુ બોર્ડર પર ભારે ભરખમ સીમેન્ટના બેરિકેટ અને ક્રોકીંટની દિવાલો ઉભી કરી દેવાઈ છે. આ ઉપરાંત મોટીસંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે.