નીતીશ-નાયડુએ PM મોદીને આ મામલે સાથ ના આપ્યો! NDAના સાથીદારો અચાનક ક્યાં ખોવાયા
Image: IANS |
International Yoga Day 2024: આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસર પર આજે વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા હતા. વરસાદના લીધે વડાપ્રધાન દલ સરોવરના કિનારે 7 હજાર લોકો સાથે યોગ કરી શક્યા નહોતા. પરંતુ કાર્યક્રમનું સ્થળ બદલી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં પીએમ મોદીએ 50 લોકો સાથે યોગ કર્યા હતા. યોગ દિવસ નિમિત્તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પણ આવા જ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જોકે સૌથી વધુ ચર્ચાનો વિષય એનડીએના મજબૂત સાથીદારો નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રહ્યા હતા. જેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી અંતર જાળવ્યું હતું અને કોઈ કાર્યક્રમમાં યોગ કરતા નજરે ચઢ્યાં નહોતા.
ઉલ્લેખનીય છે, કેન્દ્રની એનડીએ સરકારના સહયોગી જેડીયુ અને ટીડીપી આ કાર્યક્રમમાં જોવા મળી ન હતી. બિહારમાં આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં પણ મુખ્ય મંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા ન હતા. બિહારમાં જેડીયુના સહયોગી ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા યોગ દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
એનડીએના બીજા સૌથી મોટા સહયોગી ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ યોગ દિવસ પર યોગ કરતા જોવા મળ્યા ન હતા. તેમજ તેમણે સોશિયલ મીડિયા પર યોગ દિવસને લગતું કંઈ પણ ટ્વિટ કર્યું નથી. એકંદરે, આ યોગ દિવસ પર એનડીએના બંને મોટા સહયોગીઓ ગાયબ રહ્યા હતા.
એકનાથ શિંદે જોવા મળ્યા પરંતુ અજિત પવાર ગાયબ
આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે એનડીએના બે સાથી પક્ષો ક્યાં છે? નાયડુ અને નીતિશ બંને રાજ્યોના મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોમાં આયોજિત સરકારી કાર્યક્રમોમાં નીતીશ-નાયડુની ગેરહાજરીએ ચર્ચાઓ શરૂ કરી છે. લોકો નીતીશ-નાયડુએ યોગ દિવસ પર યોગ કેમ ન કર્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
તદુપરાંત મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાગ લીધો હતો. બંને નેતાઓએ હજારો લોકોની હાજરીમાં યોગ કર્યા હતા. જો કે એનસીપી ચીફ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.