હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસમાં પણ ડખાં, CMની દાવેદારી મુદ્દે કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સામસામે
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક મતભેદ દેખાઇ રહ્યા છે. હરિયાણામાં લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં પણ ભવ્ય સફળતા મેળવવા માંગે છે. જો કે, રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સીએમ પદ માટે પ્રદેશ કોંગ્રેસ પર દબાણ વધારી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ કુમારી સેલજાએ પણ સીએમ પદ માટે દાવેદારી કરી કોંગ્રેસની ચિંતા વધારી છે.
હુડ્ડાના કારણે આપ સાથે ગઠબંધન ન થયું
રાહુલ ગાંધીની ઇચ્છા હતી કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાને ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડે જેનાથી ભાજપ વિરોધી વોટ વહેંચાઇ ન જાય. જો કે, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના વિરોધના કારણે રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શક્યું નહોતું. આ પછી એવું જણાઇ રહ્યું છે કે, રાહુલ ગાંધી પણ હુડ્ડાની માંગને નકારી શક્યા નહોતા. નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય તો સીએમ પદ માટે હુડ્ડા પ્રબળ દાવેદાર છે.
કુમારી સેલજાએ ચિંતા વધારી
હુડ્ડા બાદ કુમારી સેલજાએ પણ કોંગ્રેસની ચિંતા વધારી છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ સીએમ પદના દાવેદાર છે અને વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. આ દરમિયાન તેમણે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, 'તેઓ પહેલા પાતાના ઘરે નક્કી કરે કે સીએમ કોણ હશે. તમે પાર્ટીના સીએમ પદના ઉમેદવારની વાત કરો છો જ્યારે તમારા ઘરમાં જ નિર્ણય નથી થઇ રહ્યું.' આ વાત પર તેમનો ઇશારો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડા તરફ હતો.
ભાજપ અને બીએસપી પર નિશાન સાધ્યો
કુમારી સેલજાએ ભાજપ અને બીએસપી પર નિશાન સાધતાં કહ્યું કે, 'માયાવતી ન તો યૂપીમાં મજબૂત છે ન તો હરિયાણામાં તેમનો કોઇ પ્રભાવ છે. ભાજપ વિરોધ સત્તા વિરોધી લહેર ઉપરાંત આંતરિક મતભેદ ચાલી રહ્યા છે. અમારી પાર્ટીમાં પણ કેટલાક મુદ્દા છે પણ હું સૌને સાથે લઇને ચાલીશ. મને અને મારા સમાજને સીએમ પદની આશા છે. હું વિધાનસભા ચૂંટણી લડીશ તો કોંગ્રેસને લાભ પહોંચશે.'
રાજ્યમાં કોંગ્રેસ મજબૂત છેઃ સેલજા
આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન અંગે વાત કરતા કહ્યું કે, હરિયાણામાં પાર્ટી પોતાના બળે ખૂબ જ મજબૂત છે. દરેક પક્ષમાં થોડાક મતભેદ તો રહે જ છે આમ છતાં હરિયાણામાં કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. હું સીએમ પદની ઉમેદવાર છું પણ અંતિમ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડનો જ હશે.