વચગાળાનું બજેટ તૈયાર,જાણો કોણ કોણ છે બજેટના ઘડવૈયા
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે
નિર્મલા સીતારમણ ભારતના ઈતિહાસમાં સતત છઠ્ઠી વખત બજેટ રજુ કરનાર બીજા નાણામંત્રી બનશે
Image Twitter |
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રીના આ છટ્ઠા બજેટને એક ખાસ ટીમે તૈયાર કર્યું છે બજેટ ટીમમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને અર્થશાસ્ત્રી સામેલ છે. નીચે વાંચો કોણ છે આ વ્યક્તિઓ જેમણે બજેટ નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો છે.
નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ ભારતના ઈતિહાસમાં સતત છઠ્ઠી વખત બજેટ રજુ કરનાર બીજા નાણામંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ પણ પાંચ પૂર્ણ અને એક વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે યુવાનો,મહિલાઓ.ખેડૂતો અને ગરીબો પર સરકારનું ધ્યાન છે. તેનાથી આશા રાખી શકાય છે કે વચગાળાનું બજેટ આ મુદ્દાઓ પર જ હશે. જેએનયુથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર નિર્મલા સીતારમણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં વાણિજ્ય અને રક્ષા વિભાગ સંભાળ્યો હતો. તેઓ કર્ણાટકથી રાજ્યસભા સાંસદ છે.
ટીવી સોમનાથન
ટીવી સોમનાથન નાણા મંત્રાલયમાં સૌથી વરિષ્ઠ સચિવ છે. સોમનાથન પાસે નાણાં સચિવની જવાબદારી છે. તમિલનાડુ કેડરના 1987 બેચના IAS અધિકારી સોમનાથન એપ્રિલ 2015 થી ઓગસ્ટ 2017 સુધી વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે. તેઓ પીએમ મોદીની નજીક છે. નાણા સચિવ અર્થશાસ્ત્રમાં પીએચડી છે. અર્થશાસ્ત્ર પરના તેમના 80 થી વધુ પેપર અને લેખો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત તેમણે બે પુસ્તકો પણ લખ્યા છે. તેઓ વિશ્વ બેંકના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
અજય શેઠ
કર્ણાટક કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી અજય શેઠ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ છે. ગતવર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ જી20 બેઠક દરમિયાન તેઓ ચર્ચામાં આવ્યા હતા. શેઠે ભારતના પ્રથમ સોવરેન ગ્રીન બ્રાંડ જારી કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સચિવાલય નિર્માણની પણ પહેલ કરી હતી.
તુહિન કાંતા પાંડે
તુહિન કાંતા પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટમાં સચિવ રહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણ અને LIC ના IPOમાં ભજવેલી ભૂમિકા માટે ઓળખ બનાવી ચુક્યા છે. પાંડે ઓડિશા કેડરના 1987 બેચના અધિકારી છે.
સંજય મલ્હોત્રા
રાજસ્થાન કેડરના 1990 બેચના સંજય મલ્હોત્રા હાલ મહેસુલ સચિવ છે. અગાઉ તેઓ નાણાકીય સેવા વિભાગના વડા હતા. સંજય મલ્હોત્રા બજેટ પ્રક્રિયામાં ટેક્સ રેવન્યુ વધારવાની જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેમની પાસે નાણામંત્રી સીતારમણના બજેટ ભાષણના ભાગ Bનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી છે.
વિવેક જોશી
વિવેક જોશી બજેટ ટીમમાં નવા સભ્ય ગણાય છે. તેઓ નવેમ્બર 2022માં આર્થિક સેવા વિભાગના સચિવ તરીકે નિયુક્તિ પામ્યા હતા. વિવેક જોશીએ જીનીવા યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ ઇકોનોમિકસમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે અને હરિયાણા કેડરના 1989 બેચના છે. વિવેક જોશી ભારતના પ્રથમ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર હતા. બેંક, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને નેશનલ પેન્શન સિસ્ટમ જેવા વિભાગોની જવાબદારી તેમની પાસે છે.
વી અનંત નાગેશ્વરન
વી અનંત નાગેશ્વરન ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે. અર્થવ્યવસ્થાના મુદ્દે તેઓ સીતારમણના સૌથી નજીકના સલાહકારોમાંના એક છે. તેઓ ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિક ઉથલપાથલની અસર પર પણ નજર રાખે છે. તેમણે અજય શેઠની સાથે G20 મીટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાગેશ્વરને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. આ ઉપરાંત ઇસેનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, યુમાસ એમહર્સ્ટમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે.