રસપ્રદ કિસ્સોઃ ચૂંટણી પંચે ગુજરાતના મતદાન મથક પરથી પંખા દૂર કરવા આદેશ આપ્યો હતો, જાણો કેમ?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અને પ્રસાર જોરશોરથી થઈ રહ્યા છે. દર ચૂંટણીમાં આચારસંહિતાના ઉલ્લંઘનો અને કેસો નોંધાતા હોય છે. જેમાં ઘણી વખત ચૂંટણી પંચ પર સુરક્ષા અને દેખરેખ મામલે અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. હાલમાં જ એક પોપટે ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરતાં પોપટના માલિકને કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. આવો જ એક રસપ્રદ કિસ્સો ગુજરાતમાં બન્યો હતો.
ગુજરાતમાં 2010ની પેટાચૂંટણી દરમિયાન એક મતદાન મથક પરથી ચૂંટણી પંચના નિરીક્ષક તમામ પંખાઓ દૂર કરવા આદેશ કર્યો હતો. ગુજરાતની કાળઝાળ ગરમીમાં આ નિર્ણય લેતાં નિર્દેશ કર્યો હતો. મતદાન મથક પર બેસનારા પોલિંગ અધિકારીઓએ ગરમીમાં કામ ન થવાની અપીલ પણ કરી હતી. સ્થાનીય અધિકારીઓએ નિરિક્ષણ કરવા આવેલા નિરિક્ષકને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે, ગરમીમાં કામ કરવુ અસહ્ય છે, પરંતુ તેઓ પોતાની વાત પર અડગ રહ્યા. અને તમામ પંખાઓ દૂર કરવા સતત દબાણ કરી રહ્યા હતા.
કેમ પંખા દૂર કર્યા?
મતદાન મથક પરથી પંખા દૂર કરવા પાછળનું કારણ અપક્ષમાંથી ઉભા ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન હતું. અપક્ષ ઉમેદવારે પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે પંખો પસંદ કર્યો હતો. જેથી નિરિક્ષકને લાગ્યુ કે, આ મતદાન મથક પર ઉપલબ્ધ પંખાઓ મતદારોને આકર્ષિત કરી શકે છે. પંખાઓ તે ઉમેદવારનો પ્રચાર કરતાં જણાઈ રહ્યા હોવાથી તેમણે તમામ પંખાઓ દૂર કરવા નિર્દેશ કર્યો હતો. સ્થાનીય અધિકારીઓ દ્વારા અથાગ પ્રયાસો બાદ નિરિક્ષકે પંખા રાખવા માન્યા હતા.
તમિલનાડુમાં પણ પોપટના માલિકની ધરપકડ થઈ
હાલમાં જ તમિલનાડુમાં પોપટે તમિલનાડુના કુડ્ડુલૂર લોકસભા બેઠકમાંથી ચૂંટણી લડી રહેલા પીએમકેના ઉમેદવાર થંગાર બચ્ચનના જીતની ભવિષ્યવાણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થતાં વન વિભાગના અધિકારીઓએ પોપટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે પોપટના માલિક સેલ્વરાજની ધરપકડ કરી માફીનામુ લખાવ્યું હતુ.