પીએફ પર વ્યાજદર વધારીને 8.25 ટકા કરાયો, 3 વર્ષની ટોચે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પીએફ પર વ્યાજદર વધારીને 8.25 ટકા કરાયો, 3 વર્ષની ટોચે 1 - image


- ચૂંટણી પહેલાં ઈપીએફના 8 કરોડ સબસ્ક્રાઈબર્સને ઘી-કેળા

- ઈપીએફઓ બોર્ડે વ્યાજદર વધારવાની ભલામણ નાણાં મંત્રાલયને મોકલી : ગયા વર્ષે વ્યાજદર 8.15 ટકા હતો

- રૂ. 13 લાખ કરોડની પ્રિન્સિપાલ રકમ પર ઈપીએફ સભ્યોના ખાતામાં 1,07,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવા બોર્ડની ભલામણ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલાં પીએફ ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કરવાની અટકળોથી વિપરિત એમ્પ્લોઈસ પ્રોવીડન્ટ ફંડ સંગઠનએ શનિવારે વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઈપીએફ એકાઉન્ટ માટે વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરીને અંદાજે ૮ કરોડથી વધુ કર્મચારીઓને ખુશ કરી દીધા છે. આ સાથે હવે પીએફ ખાતામાં જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ અપાશે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઊંચો વ્યાજદર છે. જોકે, ઈપીએફઓના આ નિર્ણયને હજુ નાણામંત્રાલયની મંજૂરી મળવાની બાકી છે.

ઈપીએફઓના ટ્રસ્ટીઓના કેન્દ્રીય બોર્ડે તેના ૮ કરોડ સબસ્ક્રાઈબર્સ માટે વ્યાજદર વધારવાની નાણામંત્રાલયને ભલામણ કરી છે તેમ શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઊંચો વ્યાજદર છે. અગાઉ ૨૦૧૯-૨૦માં ૮.૫૦ ટકાનો વ્યાજદર રખાયો હતો. આમ અત્યારનો ૮.૨૫ ટકાનો વ્યાજદર ૨૦૧૯-૨૦ કરતાં નીચો છે. ઈપીએફ ખાતામાં ૮.૫૦ ટકાના વ્યાજદરને ૨૦૨૦-૨૧માં જાળવી રખાયો હતો, પરંતુ પછીના વર્ષે તેને ઘટાડીને ૮.૧૦ ટકા કરાયો હતો, જે ૧૯૭૭-૭૮ પછી ચાર દાયકામાં સૌથી નીચો વ્યાજદર હતો. વ્યાજ દરમાં કાપ પછી ૧૯૭૭-૮૮માં ઈપીએફનો વ્યાજદર ૮ ટકા હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પીએફ ખાતાના વ્યાજદરમાં આંશિક વધારો કરીને ૮.૧૫ ટકા કરાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના વ ર્ષ માટેની ભલામણ હવે નામાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણામંત્રાલય તૈયાર થાય પછી ઈપીએફઓ ઈપીએફ ખાતાધારકોને ૮.૨૫ ટકાના દરે ચૂકવણી કરશે. ભારતમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ૮ કરોડ જેટલા સબસ્ક્રાઈબર્સને અપાયેલી આ રાહત ઘણી જ મહત્વપૂર્ણ છે.

શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ કેન્દ્રીય શ્રમ અને  રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષપદે શનિવારે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની ૨૩૫મી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. નાણામંત્રાલયની મંજૂરી પછી સરકારી ગેઝેટમાં આ વ્યાજ દરને નોટીફાઈ કરવામાં આવશે. ત્યાર પછી ઈપીએફઓ સબસ્ક્રાઈબર્સના ખાતામાં મંજૂર થયેલા વ્યાજદરે રકમ જમા કરાવશે.

નાણાકીય વર્ષ ૨૪માં ઈપીએફઓના ટ્રસ્ટી બોર્ડે કુલ રૂ. ૧૩ લાખ કરોડની પ્રિન્સિપાલ રકમ પર ઈપીએફ સભ્યોના ખાતામાં ૧,૦૭,૦૦૦ કરોડ રૂપિયાનું વિતરણ કરવાની ભલામણ કરી હતી. આ પહેલાં નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૧૧.૦૨ લાખ કરોડની કુલ પ્રિન્સિપાલ રકમ પર રૂ. ૯૧,૧૫૧.૬૬ કરોડનું વિતરણ કરાયું હતું. અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં ખાતાધારકોની પ્રિન્સિપાલ રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. બોર્ડે ઉમેર્યું કે, આ સમયમાં ઈપીએફ ખાતાધારકોની આવક ૧૭.૩૯ ટકાથી વધુ વધી છે જ્યારે પ્રિન્સિપાલ રકમમાં ૧૭.૯૭ ટકાનો વધારો થયો છે. આ બાબત સ્વસ્થ નાણાકીય પરફોર્મન્સ અને સભ્યો માટે સંભવિત મજબૂત વળતરના સંકેત આપે છે.

ઈપીએફઓ તેના સભ્યોને ઊંચી આવકનું વિતરણ કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ઈપીએફઓ દ્વારા આપવામાં આવતો વ્યાજદર સબસ્ક્રાઈબર્સ માટે ઉપલબ્ધ અન્ય રોકાણ સ્રોતો કરતાં ઊંચો હોય છે.

ઈપીએફ પર વ્યાજદર વર્ષ 2010થી

     વર્ષ

ટકા

૨૦૧૦-૧૧

 ૯.૫૦

૨૦૧૧-૧૨

 ૮.૨૫

૨૦૧૨-૧૩

 ૮.૫૦

૨૦૧૩-૧૪

 ૮.૭૫

૨૦૧૪-૧૫

 ૮.૭૫

૨૦૧૫-૧૬

 ૮.૮૦

૨૦૧૬-૧૭

 ૮.૬૫

      વર્ષ

ટકા

૨૦૧૭-૧૮

 ૮.૫૫

૨૦૧૮-૧૯

 ૮.૬૫

૨૦૧૯-૨૦

 ૮.૫૦

૨૦૨૦-૨૧

 ૮.૫૦

૨૦૨૧-૨૨

 ૮.૧૦

૨૦૨૨-૨૩

 ૮.૧૫

૨૦૨૩-૨૪

 ૮.૨૫


Google NewsGoogle News