Get The App

હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ 1 - image


Pahalgam Terror Attack : કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 28 પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના કાશ્મીર બહારના નાગરિકોને નિશાન બનાવીને આયોજનપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ ભીષણ હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસે પહેલાથી જ આ હુમલા અંગે ઇનપુટ હતા છતાં આતંકવાદીઓએ પોતાના કાવતરાને કેવી રીતે અંજામ આપ્યો? શું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા હતી, કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે? ચાલો આ નરસંહારની ઇનસાઇડ સ્ટોરીને સમજવાનો પ્રયાસ કરીએ. 

પહલગામ હુમલાનો ઘટનાક્રમ

દેશના અન્ય રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, આવી સ્થિતિમાં અનેક પર્યટકો હાલ રાહત મેળવવા માટે જમ્મુ કાશ્મીરના શીતળ પર્યટન સ્થળોની મુલાકાતે જઈ રહ્યા છે. જેનો લાભ લઈને આતંકીઓએ પહલગામમાં પહાડોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન જે પર્યટકો અને ટ્રેકર્સ માટે પસંદીદા સ્થળ છે ત્યાં હુમલો કરી દીધો હતો. પર્યટકો શાંત અને શીતળ વાતાવારણમાં કુદરતના ખોળે આનંદ લઈ રહ્યા હતા, કેટલાક પર્યટકો ઘોડેસવારી તો કેટલાક સ્થાનિક સ્ટોલ પર નાસ્તા પાણી કરી રહ્યા હતા, એવામાં અચાનક જ પાસેના જંગલમાંથી ચારથી પાંચ આતંકીઓ બંદૂકો સાથે આવી પહોંચ્યા હતા અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. પર્યટકો પોતાનો જીવ બચાવવા ભાગે તે પહેલા જ આતંકવાદીઓ આધુનિક બંદૂકો સાથે તેમના પર તૂટી પડ્યા હતા અને પર્યટન માટે જાણીતા પહલગામને લોહીયાળ કરીને પાછા જંગલમાં નાસી છૂટ્યા હતા.

હુમલાની ગુપ્તચર એજન્સીઓને પહેલાથી જ જાણ હતી

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુપ્તચર એજન્સીઓને આવા હુમલાની શક્યતા અંગે અગાઉથી જ ઇનપુટ મળ્યા હતા. એપ્રિલ 2025ની શરુઆતમાં જ ગુપ્તચર સૂત્રોએ ચેતવણી આપી હતી કે આતંકવાદી સંગઠનો પહેલગામ જેવા પર્યટન સ્થળોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. ઇનપુટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ રેકી કરી લીધી છે અને મોટા હુમલાની ફિરાકમાં છે. ગુપ્તચર માહિતી પ્રમાણે હમાસ, જૈશ અને લશ્કર વચ્ચે સંકલન વધી રહ્યું હતું, અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં ISIની દેખરેખ હેઠળ આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ કોણ? હાફિઝ સઈદ સાથે કનેક્શન, પાક. સૈન્યનો પણ ટેકો

ગુપ્તચર એજન્સીઓની ચેતવણી

10 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ એક મહિના કરતાં પણ ઓછા સમય પછી 6 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જમ્મુ અને કાશ્મીરના બંને પ્રદેશોમાં એક પછી એક બેઠકો ગુપ્તચર એજન્સીઓની ચેતવણીઓ વચ્ચે થઈ હતી કે પાકિસ્તાન "જમ્મુ અને કાશ્મીરમાં ભીષણ ગરમી" ની તૈયારી કરી રહ્યું છે. મંગળવારે જ્યારે પહલગામમાં પ્રવાસીઓની ચીસો ગુંજવા લાગી, ત્યારે એજન્સીઓનો સૌથી મોટી આશંકા સાચી સાબિત થઈ.

જમ્મુ-કાશ્મીરમાં 70 વિદેશી આતંકવાદી એક્ટિવ

એક અહેવાલ પ્રમાણે લગભગ 6 આતંકવાદીઓએ કેટલાક સ્થાનીક સહાયકોની મદદથી આ હુમલાને અંજામ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, આ આતંકવાદીઓ હુમલાના થોડા દિવસો પહેલા આ વિસ્તારમાં આવ્યા હતા, તેમણે રેકી કરી હતી અને તેઓ અવસરની તલાશમાં હતા. એપ્રિલની શરુઆતમાં (1-7 તારીખની વચ્ચે) કેટલીક હોટલોની રેકી અંગે ગુપ્ત માહિતી પહેલાથી જ ઉપલબ્ધ હતી. જોકે, એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે, એ કહેવું ખોટું હશે કે ગુપ્તચર એજન્સીઓથી ચૂક થઈ. ઇનપુટ હતા, પરંતુ હુમલાખોરો તકની તલાશમાં હતા અને તેમણે યોગ્ય સમય જોઈને હુમલો કર્યો. આ હુમલામાં કેટલાક વિદેશી, ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા જ ઘાટીમાં ઘૂસણખોરી કરી હતી અને હુમલા પહેલા વિસ્તારની રેકી કરી હતી. કેન્દ્રીય દળો દ્વારા રાખવામાં આવેલા ડેટા પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 70 વિદેશી આતંકવાદીઓ એક્ટિવ છે. ડીજીપી નલિન પ્રભાત દ્વારા માર્ચમાં હીરાનગરમાં એક ઓપરેશનનું નેતૃત્વ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર તાજેતરમાં જ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હાથમાં હથિયાર અને પઠાણી સૂટ... પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી

પરંતુ એજન્સીઓને આશંકા છે કે, ઘણા વિદેશી આતંકવાદીઓ પોતાના 'આકા'ના આદેશ મેળવવા માટે ઘૂસણખોરી કર્યા બાદ છૂપાયેલા હોઈ શકે છે. બરફ પીગળવાની સાથે પહાડી રસ્તાઓ ખૂલી ગયા છે. એવું લાગે છે કે પહેલગામમાં આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કરવા માટે બેસરનના મેદાનો સુધી પહોંચવા માટે પહાડીઓ પરથી નીચે આવ્યા હતા. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. NIA ટીમો સ્થળ પર જવા માટે તૈયાર છે. NIA તે ઓવરગ્રાઉન્ડ વર્કરો સામે કાર્યવાહી શરુ કરી શકે છે જેમણે વિદેશી આતંકવાદીઓની મદદ કરી હતી.

હુમલા પાછળ 'સૈફુલ્લાહ કસૂરી'નો હાથ

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ હુમલાની યોજના ખૂબ જ સમજી-વિચારીને બનાવવામાં આવી હતી અને આતંકવાદીઓ ઘણા દિવસોથી તકની તલાશમાં છુપાયેલા હતા. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ અને હાફિઝ સઈદનો નજીકનો સહયોગી સૈફુલ્લાહ કસુરી હોવાનું કહેવાય છે. આ સાથે જ રાવલકોટમાં એક્ટિવ બે અન્ય લશ્કર કમાન્ડરોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાંથી એક અબૂ મૂસા હોવાનું કહેવાય છે.

18 એપ્રિલના રોજ અબૂ મૂસાએ રાવલકોટમાં એક આયોજન કર્યું હતું, જ્યાં તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, 'કાશ્મીરમાં જેહાદ ચાલુ રહેશે, બંદૂકોની થશે અને નરસંહાર થતો રહેશે. ભારત કાશ્મીરની વસ્તી વિષયક સ્થિતિ બદલવા માંગે છે, તેથી તે બિન-સ્થાનિક લોકોને ડોમિસાઈલ સર્ટિફિકેટ આપી રહ્યું છે.' હુમલાનું દુઃખદ પાસું એ હતું કે ઘણા પીડિતોને 'કલમા'નું પઠન કરવા માટે મજબૂર કર્યા અને જેઓ ન કરી શક્યા તેમને ગોળી ધરબી દીધી. 

ક્યાં થઈ ચૂક?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહલગામ જેવા પર્યટન સ્થળો, જે આતંકવાદીઓ માટે સરળ ટાર્ગેટ હોઈ શકે છે, ત્યાં દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો. આતંકવાદીઓએ આ જ કમજોરીનો ફાયદો ઉઠાવ્યો. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓએ ભલે ઇનપુટ આપ્યા પરંતુ તેનું સમયસર વિશ્લેષણ અને કાર્યવાહી ન થઈ શકી. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોને આ ઇનપુટની ગંભીરતા વિશે સંપૂર્ણ માહિતી હતી? આતંકવાદી સંગઠનો હવે હાઇબ્રિડ હુમલાઓ પર ભાર મૂકી રહ્યા છે, જેમાં સ્થાનિક સમર્થન, રેકી અને અચાનક હુમલા સામેલ છે. આ બદલાતી વ્યૂહરચનાને સમજવામાં ગુપ્તચર એજન્સીઓ પાછળ રહી ગઈ.

પાકિસ્તાન અને ISIની ભૂમિકા

પહલગામ હુમલામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની ભૂમિકા પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ISIએ આતંકવાદીઓને હથિયાર અને ટ્રેનિંગ તો આપી જ પણ આ સાથે જ હમાસ અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે મળીને આ હુમલાની યોજના પણ બનાવી. આ પહેલી વાર નથી જ્યારે ISI પર ભારતમાં આતંકવાદી હુમલાઓની યોજના બનાવવાનો આરોપ લાગ્યો હોય. 

આ પણ વાંચો: આતંકીઓએ કરી હતી 'રેકી', વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા

સુરક્ષા દળોની પ્રતિક્રિયા અને તપાસ 

હુમલા બાદ સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે, પરંતુ આતંકવાદીઓને શોધવું મુશ્કેલ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરુ કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ સ્થાનિક સમર્થનની મદદ લીધી હશે, જે આ હુમલાને વધુ જટિલ બનાવે છે.

એ સવાલ જે બાકી છે

- જો ગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાના ઇનપુટ હતા, તો સમય પર કાર્યનાહી કેમ ન થઈ?

- શું પહલગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર નહોતી?

- ISI અને આતંકવાદી સંગઠનો વચ્ચેના જોડાણને તોડવા માટે ભારત કયા પગલાં ઉઠાવશે?

હવે આગળ શું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ વડાપ્રધાને આતંકવાદી હુમલાને પગલે પરિસ્થિતિની ચર્ચા કરવા માટે ઍરપોર્ટ પર જ NSA, વિદેશ મંત્રી, વિદેશ સચિવ સાથે ટૂંકી બેઠક યોજી હતી. પહલગામ નરસંહાર એ એક ચેતવણી છે કે આતંકવાદી ખતરો હજુ ટળ્યો નથી.

Tags :