પોલીસ સ્ટેશનમાં લાંચ લેતા ઇન્સ્પેક્ટર સાયરન સાંભળતા જ દિવાલ કૂદી નાસ્યા, રૂ. 9 લાખ કબજે
Image: Facebook
Case of Bribery by Police in Bareilly: ઉત્તર પ્રદેશના બરેલીમાં ઇન્સ્પેક્ટરે અફીણ તસ્કરોને છોડવા માટે લાંચ લીધી હતી. તેની જાણકારી જ્યારે એસએસપી અનુરાગ આર્યનને થઈ તો તેમણે સીઓ અને એએસપીને મોકલી પરંતુ તેની જાણ ઇન્સ્પેક્ટર રામસેવકને થઈ ગઈ તો તે સ્ટેશનની દિવાલ કૂદીને ભાગી ગયા. આ મામલો બરેલીના ફરીદપુરનો છે. ઇન્સ્પેક્ટરના રૂમમાંથી 9 લાખ રૂપિયાની રોકડ મળી છે. હાલ તેમની ધરપકડના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
એસએસપીના જણાવ્યા અનુસાર ખાનગી માહિતી મળી હતી કે ફરીદપુરના ઇન્સ્પેક્ટર રામસેવકે બે શંકાસ્પદોને એનડીપીએસના મામલામાં પકડ્યા અને 7 લાખ રૂપિયા લઈને છોડી દીધા છે. તેની તપાસ માટે અધિકારી તાત્કાલિક બરેલી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાંથી ઇન્સ્પેક્ટર રામસેવક ગાયબ થઈ ગયો. તેનો રૂમ ચેક કરવામાં આવ્યો તો 9 લાખ 96 હજાર રૂપિયાની રોકડ મળી.
તપાસમાં જાણ થઈ છે કે રાત્રે મો. ઈસ્લામ, શેર મોહમ્મદને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા. તેમને 7 લાખ રૂપિયા લઈને છોડી દેવામાં આવ્યા. આ સંબંધિત અધિકારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમની ધરપકડના પ્રયત્ન ચાલુ છે. પોલીસ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરશે.
માહિતી મળતાં અધિકારીઓએ ઇન્સ્પેક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાં સાયરનનો અવાજ સાંભળીને ઇન્સ્પેક્ટર ભાગી ગયા. આ કેસની જાણકારી મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીએ આરોપી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા અને તેમની ધરપકડ માટે ટીમ બનાવી દીધી.
પલંગ ઉપર નોટના બંડલ મળ્યા
પોલીસની ટીમે જે સમયે ઇન્સ્પેક્ટરના રૂમમાં દરોડા પાડ્યા તો બેડ પર નોટોના બંડલ મળ્યા. જ્યારે ગણતરી કરવામાં આવી તો 9 લાખથી વધુની રોકડ હતી. ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની જાણકારી ખાનગી રીતે અધિકારીઓને મળી હતી. જ્યારે અધિકારી પોલીસ સ્ટેશને પહોંચ્યા તો ઇન્સ્પેક્ટર દિવાલ કૂદીને નાસી ગયા. ઇન્સ્પેક્ટરને પકડવા માટે એસપીના ગનર પણ દોડ્યા પરંતુ ઇન્સ્પેક્ટર નાસી ગયા. સપા સુપ્રીમો અખિલેશ યાદવે આ મામલે ટ્વિટ કરતાં લાંચખોરીનો આરોપ લગાવીને સરકાર પર નિશાન સાધ્યું છે.