બિહારમાં સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને વીજબિલ ભરવા નોટિસ ફટકારાઈ!
નોટિસમાં જણાવાયું હતું કે તેમના સ્મારકનું બાકીનું વીજબિલ નહીં ભરે તો તેના કનેક્શન કાપી નાખવામાં આવશે
વિભાગે આ નોટિસ કાયદેસર રીતે સ્મારક સ્થળ પર ચોંટાડી દીધી છે, બાકીના બિલની રકમ 1 લાખ 36 હજાર 943 રૂપિયા
image : kishan sabha |
પટણા, તા 22, ફેબ્રુઆરી, 2023, બુધવાર
બિહારથી અચરજ પમાડે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીના નામે વીજળી વિભાગે નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં જણાવાયું હતું કે તેમના સ્મારકનું બાકીનું વીજબિલ નહીં ભરે તો તેના કનેક્શન કાપી નાખવામાં આવશે. વિભાગે આ નોટિસ કાયદેસર રીતે સ્મારક સ્થળ પર ચોંટાડી દીધી છે.
સ્મારક સ્થળે ચોંટાડી નોટિસ
આ મામલો ધ્યાને આવતા જ એસડીએમએ તપાસના આદેશ આપી દીધા હતા. ખરેખર બિહારના મુજફ્ફરપુરમાં અમર શહીદ ખુદીરામ બોઝ અને ક્રાંતિકારી શહીદ પ્રફુલ્લ ચાકીને તેમના સ્મારકના વીજબિલ જમા કરાવવા નોટિસ પાઠવાઈ હતી. બાકીના બિલની રકમ પણ 1 લાખ 36 હજાર 943 રૂપિયા જણાવાઈ છે. એનબીપીડીસીએલએ સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝના સ્મારક પર નોટિસ ચોંટાડી છે. જેમાં શહીદ પ્રફુલ્લચાકીનું પણ નામ છે. નોટિસ ચોંટાડવાની વાત આગની જેમ ફેલાઈ અની એસડીએમને પણ તેની જાણ થઈ. જેના પર એસડીએમ ઈસ્ટ જ્ઞાન પ્રકાશે તપાસ કરાવવાની વાત કહી હતી અને સાથે જ કહ્યું કે આ મામલે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.
image : twitter |
ખાનગી સંસ્થા કરે છે દેખરેખ
ઉલ્લેખનીય છે કે શહીદ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીના સ્મારકોની દેખરેખ શહેરની એક ખાનગી સંસ્થા કરે છે. પણ ગત એક વર્ષથી સંસ્થાએ સ્મારકોના વીજ બિલની ચૂકવણી નથી કરી. તેના પર વીજળી વિભાગે ક્રાંતિકારીઓના નામે નોટિસ જારી કરી એક સપ્તાહમાં વીજળી બિલ જમા કરાવવાની વાત કહી છે. સાથે જ નોટિસમાં કહ્યું કે જો વીજબિલ જમા નહીં કરાવો તો સ્મારકનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. આ મામલે એસડીએમ ઈસ્ટ જ્ઞાન પ્રકાશનું કહેવું છે કે કમ્પ્યૂટર દ્વારા જનરેટ બિલને કારણે આવું થયું છે.