VIDEO: કોંગ્રેસના પાંચ નેતાઓએ પોતાની જ પાર્ટીના પ્રમુખ પર ફેંકી શાહી, હાઈકમાન્ડે કર્યા સસ્પેન્ડ
Ink Thrown At OPCC Chief : ઓડિશા કોંગ્રેસમાં ભારે આંતરીક વિવાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ કમિટી (OPCC)ના પ્રમુખ શરત પટનાયક (Sarat Pattanayak) પર પાર્ટીના જ નેતાઓએ શાહી ફેંકતા મામલો બીચક્યો છે. આ ઘટના હાઈકમાન્ડ સુધી પહોંચતાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાંચ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે ઓડિશા એકમના મહાસચિવ સહિત પાંચ નેતાઓને છ વર્ષ માટે કાઢી મુક્યા છે.
આ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કઢાયા
ઓડિશામાં કોંગ્રેસ (Congress)ના મુખ્યાલયમાં બે માસ્ક પહેરેલા લોકોએ પટનાયક પર શાહી ફેંકી હતી. ઓપીસીસીની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિના અધ્યક્ષ સંતોષ સિંહ સલુજાએ પાર્ટીના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે, જેમાં ઓપીસીસીના મહાસચિવ પ્રકાશ મિશ્રા, ઓડિશા પ્રદેશ મહિલા કોંગ્રેસના મહાસચિવ શ્રીયસ્મિતા પાંડા, પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના સેક્રેટરી સંદીપ રાઉત્રે, યુથ કોંગ્રેસના પ્રદેશ સચિવ અમરેશ પરિદા અને NSUIના રાજ્ય સચિવ આર્યન સાસમાલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.
સંતોષ સિંહ સલુજાએ શું કહ્યું?
સંતોષ સિંહ સલુજાએ કહ્યું કે, કેટલાક પદાધિકારીઓ અને પાર્ટીના જુદા જુદા પદો પરના લોકોએ અનુશાસનહીનતા દર્શાવી સંગઠનની છબીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ કોંગ્રેસના પાંચ નેતાઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ આદેશની એક કોપી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને મોકલી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક અજાણ્યા વ્યક્તિઓ 21 જૂને પટનાયકના રૂમમાં પહોંચ્યા હતા અને તેમના કપડો પર શાહી ફેંકી હતી.