પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધશે : RBIની ચેતવણી
મુંબઇ: પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે છે અને વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જળવાઇ રહી શકે છે તેમ આરબીઆઇએ પોતાના એપ્રિલ મહિનાના બુલેટિનમાં જણાવ્યું છે. બીજી બાજુ દેશના જીડીપી વિકાસ દરનો ગ્રાફ કોવિડ-19ના અગાઉના સમયની જેમ સાત ટકાથી ઉપર જવાના પ્રારંભિક સંકેત મળી રહ્યાં હોવાનો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલમાં ઉલ્લેખ છે.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો માર્ચમાં ઘટીને 4.9 ટકા રહ્યો છે. આ અગાઉના બે મહિનામાં સરેરાશ રિટેલ ફુગાવો 5.1 ટકા રહ્યો હતો.
રિઝર્વ બેંકે પોતાની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. આરબીઆઇએ ઉંચા ફુગાવાને પગલે ફેબ્રુઆરી, 2023થી પ્રમુખ વ્યાજ દર 6.5 ટકા પર સ્થિર રાખ્યા છે.
બુલેટિનમાં પ્રકાશિત સ્ટેટ ઓફ ઇકોનોમી નામના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે 2024ના પ્રથમ કવાર્ટરમાં વૈશ્વિક વૃદ્ધિની ગતિ યથાવત રહી છે અને વૈશ્વિક વેપાર પરિદ્રશ્ય સકારાત્મક લાગી રહ્યું છે. મોટા અર્થતંત્રોમાં ટ્રેઝરી યિલ્ડ અને મોર્ટેજના દરો વધી રહ્યાં છે. વ્યાજ દરમાં ઘટાડાની સંભાવનાઓ નબળી પડી રહી છે. ભારતમાં મજબૂત રોકાણ માંગ અને ઉત્સાહિત વેપાર અને ગ્રાહક ધારણાઓને આધારે ભારતમાં વાસ્તવિક જીડીપીના વૃદ્ધિ દરમાં તેજી માટે પરિસ્થિતિ અનુકુળ છે.
કેન્દ્રીય બેંકના આજે જારી થયેલા માસિક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક વેપાર સકારાત્મક દ્રષ્ટિકોણથી ભારતની નિકાસને વેગ મળવા અને વિકાસમાં તેજી આવવાની આશા છે. આઇએમએફને આશા છે કે ભારત વૈશ્વિક વિકાસમાં 16 ટકાનો ફાળો આપશે. જે બજાર વિનિમય દરોના આધારે વિશ્વમાં બીજો સૌથી મોટો ફાળો છે. હાલમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આગામી દસ વર્ષમાં તે જાપાન અને જર્મનીથી આગળ નીકળી શકે છે.
વૈશ્વિક હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે ઈસ 1850માં તાપમાન નોંધવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધી 2024નો માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 30 વર્ષ માટે નક્કી કરવામાં લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે ભારતીય અર્થતંત્રને આગામી દસ વર્ષ સુધી 8 થી 10 ટકાના દરે વિકાસ કરવો પડશે.