Get The App

શ્રીનગરમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પર અંધાધુંધ ગોળીબાર

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
શ્રીનગરમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પર અંધાધુંધ ગોળીબાર 1 - image


- ઇદગાહ ગ્રાઉન્ડમાં અનેક યુવાઓની હાજરીમાં આતંકીઓ ત્રાટક્યા

- ઇન્સ્પેક્ટર અહેમદને આંખ, પેટ અને હાથે ગોળી મારી આતંકીઓ ફરાર, ટીઆરએફએ હુમલાની જવાબદારી લીધી

- પાક. સૈન્ય હજુ મોટા પાયે ગોળીબાર કરવાની ફિરાકમાં, સૈન્ય એલર્ટ, સરહદે બંકરો ખાલી કરાવાયા

શ્રીનગર: શ્રીનગરમાં આતંકીઓએ પોલીસ ઇન્સ્પેક્ટર પર ગોળીબાર કર્યો હતો, ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાણી જ્યારે શ્રીનગરમાં પ્રખ્યાત ઇદગાહ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં આતંકીઓ આવ્યા હતા અને ઇન્સ્પેક્ટરને આંખ, પેટ અને હાથના ભાગે ગોળી મારીને ભાગી ગયા હતા. આ હુમલામાં ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે અને હાલ તેમની સ્થિતિ ગંભીર છે. આ હુમલાની જવાબદારી ટીઆરએફ નામના આતંકી સંગઠને લીધી હોવાના અહેવાલો છે. 

શ્રીનગરના ઇદગાહ ગ્રાઉન્ડમાં રવિવારે મોટાભાગે લોકો ક્રિકેટ રમતા હોય છે અને યુવાઓથી ગ્રાઉન્ડ ભરેલુ હોય છે. જ્યારે આ હુમલો થયો ત્યારે પણ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ પર લોકો હાજર હતા, ઇન્સ્પેક્ટરને આતંકીઓએ ગોળી મારી ત્યારે કેટલાક લોકોએ આતંકીઓને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે કોઇ પાસે હથિયાર નહોતા તેથી આતંકીઓ હવામાં ગોળીબાર કરીને લોકોને ડરાવીને સ્થળ પરથી ભાગી ગયા હતા. કાશ્મીર પોલીસે આ હુમલાની ટ્વિટર પર જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ હુમલામાં એક પિસ્તોલનો ઉપયોગ થયો હતો. ઇન્સ્પેક્ટરની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

તાજેતરમાં પાકિસ્તાન દ્વારા સરહદે ગોળીબારનું પ્રમાણ વધી ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્ય પણ એલર્ટ થઇ ગયું છે. તાજેતરમાં અરણીયા વિસ્તારમાં આવેલા બંકરોને ખાલી કરાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૈન્યનું માનવુ છે કે પાકિસ્તાની સૈન્ય ગમે ત્યારે મોટા પ્રમાણમાં ગોળીબાર કરી શકે છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે આ બંકરોને ખાલી કરવામાં આવી રહ્યા  છે, કે જેથી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય. છેલ્લા બે વર્ષથી સરહદે પાકિસ્તાની સૈન્ય દ્વારા ગોળીબાર નહોતો કરવામાં આવતો, જોકે હાલ પાકિસ્તાનમાં પણ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં જ પાક. સૈન્યએ ગોળીબાર શરૂ કરી દીધો છે. જેને કારણે ભારતીય સરહદના ગામડાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. અનેક લોકોએ સરહદી વિસ્તાર ખાલી કરી દીધો છે.  


Google NewsGoogle News