ઈન્ડિગો એરલાઈન્સની ફ્યૂલ સરચાર્જ હટાવવાની જાહેરાત, ટિકિટના ભાવ ઘટવાની શક્યતા
એટીએફની કિંમત ઘટતા કંપનીએ ફ્યૂલ સરચાર્જ પરત ખેંચ્યો
Indigo Announces Removal Of Fuel Surcharge : દેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ વિમાનના ફ્યૂલની કિંમતમાં ઘટાડો થતાં ફ્યુલ ચાર્જ લેવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે એટીએફ (એવિએશન ટર્બાઈન ફ્યૂલ)ની કિંમતો વધ્યા બાદ ઓક્ટોબર-2023ની શરૂઆતમાં ફ્યૂલ ચાર્જ વસૂલવાની શરૂઆત કરી હતી.
ઈન્ડિકોએ એટીએફની કિંમતોમાં ઘટાડો સરચાર્જ પરત ખેંચ્યો
કંપનીએ જણાવ્યું કે, તાજેતરમાં જ એટીએફની કિંમતોમાં ઘટાડો થતાં એરલાઈન્સે ફ્યૂલ ચાર્જ પરત ખેંચી લીધો છે. કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, એટીએફની કિંમતોમાં વધારો-ઘટાડો થતો રહે છે, તેથી અમે કિંમતો અથવા માર્કેટની સ્થિતિમાં કોઈપણ ફેરફારોને પ્રતિસાદ આપવા અમારા ભાડા અને તેના ઘટકોને સમાયોજિત કરવાનું ચાલુ રાખીશું. અગાઉ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટોમાં પણ ફ્યુલ સરચાર્જ લાગુ હતો. આમ ઈન્ડિગોએ ફ્યૂલ સરચાર્જ પરત ખેંચતા ટિકિટના ભાવ ઘટવાની શક્યતા છે.
ઈન્ડિગોએ 1 વર્ષમાં 10 કરોડ મુસાફરોનો આંકડો પાર કર્યો
અગાઉ ડિસેમ્બરમાં ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airline)એ સત્તાવાર જાહેરાત કરી હતી કે, તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી ઈતિહાસ રચ્યો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ હતી. આ સાથે જ વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ થઈ ગઈ છે. આજ સુધી કોઈ ભારતીય એરલાઈન આ મુકામ સુધી નથી પહોંચી શકી. ઈન્ડિગો વિશ્વની ટોપ-10 એરલાઈન્સમાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન નોંધાવ્યું છે. ઇન્ડિગોએ છેલ્લા છ મહિનામાં 20 નવા આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઈટ્સ શરૂ કરી છે. આ સાથે કંપનીએ ડોમેસ્ટિક રૂટ પર પણ તેની પહોંચ વધારી છે.