IndiGo એરલાઇન્સનું નેટવર્ક ઠપ: દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો થયા પરેશાન
IndiGo Network Outage: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની નેટવર્ક-વાઇડ સિસ્ટમમાં આજે (5 ઓક્ટોબર) ટેકનિકલ ખામી સર્જાઇ હતી. આ કારણે મુસાફરોને ચેક-ઇન અને બેગેજ ડ્રોપ માટે એરપોર્ટ પર લાંબી લાઇનોમાં ઉભા રહી રાહ જોવી પડી રહી છે. કંપનીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. કંપની મુજબ, બપોરે લગભગ 12.30 વાગ્યે સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જે કારણસર સમગ્ર દેશમાં ફ્લાઇટ ઓપરેશન અને એરપોર્ટ સેવાઓ પર માઠી અસર પડી છે.
ઇન્ડિગોએ એક્સ પર માહિતી આપી
ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, 'હાલ અમે આમારા સમગ્ર નેટવર્કમાં એક અસ્થાયી સિસ્ટમ સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે. જેનાથી અમારી વેબસાઇટ અને બુકિંગ સિસ્ટમ પર અસર પડી છે. આ કારણસર ગ્રાહકોનું પ્રતિક્ષા સમય પણ વધી ગયું છે. ચેક-ઇનની પ્રોસેસ ધીમી થઇ ગયી છે અને એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇનો લાગી છે.'
આ પણ વાંચોઃ યુદ્ધ હોય કે મહામારી... સોનાનો ભાવ કેમ વધી જાય છે અને શેરબજાર ગગડવા લાગે છે
ખામી દૂર કરવા પ્રયાસો શરૂ
કંપનીએ જણાવ્યું કે, 'અમારી એરપોર્ટ ટીમ તમામ મુસાફરોની મદદ કરવા અને તેમના માટે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. અમે શક્ય તેટલી ઝડપે સ્થિતિ સામાન્ય કરવા અને ટેકનિકલ ખામી દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે. અમને આ અસુવિધા બદલ ખેદ છે.' કંપનીની આ ટ્વિટ પર મુસાફરોએ આકરી પ્રતિક્રિયા આપી છે. એક મુસાફરે લખ્યું કે, લખનઉ-દિલ્હી ફ્લાઇટ નંબર 6E2380 એક કલાકથી વધુ મોડી થઇ છે. લોકો વિમાનની અંદર બેસેલા છે અને વિમાન ટેકઓફ કરે તેની રાહ જોઇ રહ્યા છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે, ઇન્ડિગો માટે હવે આ સામાન્ય બાબત થઇ ગઇ છે માટે કંપનીએ પોતાની સેવા કાયમી ધોરણે બંધ કરી દેવી જોઇએ.
અવાર-નવાર ટેકનિકલ ખામી સર્જાય છે
નોંધનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ઇન્ડિગોમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોય, અગાઉ બે અઠવાડિયા પહેલા પણ મુંબઇથી દોહા (કતાર) જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરોને વિમાનની અંદર 18 કલાકથી પણ વધુ સમય રાહ જોવી પડી હતી. એ સમયે પણ ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. આવી અન્ય એક ઘટનામાં થોડાક દિવસો પહેલાં દિલ્હી-વારાણસી ફ્લાઇટમાં પણ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ અગ્નિવીરો માટે ગૂડ ન્યૂઝ, 25%થી વધુ નોકરી 'કન્ફર્મ' થવાના ચાન્સ, કેન્દ્રની વિચારણાં