ભારતનું અનોખું ગામ જયાં દીવાળી 1 અઠવાડિયા વહેલી ઉજવે છે
વહેલા દિવાળી ના ઉજવવામાં આવે તો ગામદેવ નારાજ થઇ જાય છે
દેશમાં દિવાળી હોય ત્યારે ગામમાં સુનકાર છવાઇ હોય છે
રાયપુર,28 ઓકટોબર,2024, સોમવાર
દરેક તહેવાર તેના ચોકકસ સમયે અને તિથિ મુજબ જ આવે છે પરંતુ પોતાની અનોખી પરંપરા અને સંસ્કૃતિ માટે જાણીતા છતિસગઢ રાજયના ધમતરી જિલ્લાના સેમરા ગામના લોકો આવું માનતા નથી.કારણ કે તેઓ દીવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના સ્થાને એક અઠવાડિયું વહેલા ઉજવે છે.જયારે આખા દેશમાં ખરેખર દીવાળીનો તહેવાર ધૂમ મચાવાતો હોય ત્યારે આ ગામમાં સુનકાર હોય છે.
આ વખતે દીવાળીનો તહેવાર ઓકટોબર માસની ૩૧ તારીખના રોજ દેશમાં ઉજવાશે જયારે આ ગામના લોકોએ દીવાળી ઉજવી નાખી છે. પોણા બસો પરીવારની વસ્તી ધરાવતા આ વિશિષ્ટ ગામમાં બીજી ગમે તે બાબતે મતભેદ હોય પરંતુ દીવાળી વહેલી ઉજવવા બાબતે આજ સુધી કોઇ જ મતભેદો ઉભા થયા નથી.જો કે આ પ્રથા કેટલી જુની છે તે કોઇ જ જાણતું નથી પરંતુ નવી પેઢીએ પણ દીવાળી વહેલી ઉજવવાની શરૃ કરેલી પરંપરાને વળગી રહેવાનું પસંદ કર્યું છે.
ગામ લોકો માને છે કે અઠવાડિયું વહેલા દીવાળી ઉજવવાથી ગામદેવતા સિરદાર દેવ ખૂબજ ખૂશ થાય છે. આ ગામ દેવે દાયકાઓ પહેલા ગામના કોઇ નાગરિકને સપનામાં આવીને વહેલી દીવાળી ઉજવવાનું કહેલું ત્યારથી આ પરંપરા શરુ થઇ હતી.ગામ લોકો તો માને છે કે દુનિયા ગમે તેટલી આગળ વધે અને ફેશનનું જોર વધે તેમ છતાં આ પરંપરાને અમે કયારેય બદલવાના નથી. કારણ કે જો આ પરંપરા બદલવામાં આવે તો ગામદેવ નારાજ થઇ જાય છે.
એક વર્ષે પરંપરા તોડીને દીવાળીના દિવસે જ દીવાળી ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગામ લોકો પર દુખોનો પહાડ તુટી પડયો હતો.ત્યાર બાદ હવે વહેલી દીવાળી ઉજવવાની પરંપરાને તોડવાની કોઇ જ હિંમત કરતું નથી.જેને ગામ લોકો ગામદેવ માને છે તે અંગે કેટલાક વડિલોના જણાવ્યા અનુસાર એક ગામમાં વસતા એક ચમત્કારિક સંત હતા જેમણે ગામ લોકોના દુખ દૂર કર્યા હતા. આથી તેમના સ્વર્ગવાસ પછી તેમનું મંદિર બનાવવવામાં આવ્યું છે. આ મંદિરના ચોકમાં જ ગામ લોકો દિવા પ્રગટાવીને દીવાળી ઉજવવા માટે એકત્ર થાય છે.