ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ શક્તિશાળી પરમાણુ સબમરીન INS અરિઘાત, જાણો તેની ખાસીયત
Submarine INS Arighat: ભારતના નૌકાદળને પાણીમાં વધુ શક્તિશાળી બનાવવા રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ન્યુક્લિયર મિસાઇલ સબમરીન INS અરિઘાતને ગુરુવારે (29 ઓગસ્ટ) સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવી છે. તમામ પરમાણુ હથિયારો સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ આવે છે. જે માત્ર પીએમઓના આદેશ પર કામ કરે છે. સબમરીન અરિઘાત ભારતની બીજી ન્યુક્લિયર મિસાઈલ સબમરીન છે. ભારત પાસે પહેલેથી જ INS અરિહંત છે. આ ન્યુક્લિયર મિસાઈલ સબમરીનને નેવીમાં કાર્યરત કરવામાં આવી છે પરંતુ તે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ જ કામ કરશે.
અરિહંત કરતાં વધુ ઘાતક
ભારતે 1980માં એડવાન્સ ટેક્નોલોજી પ્રોજેક્ટ (એટીવી)ની શરૂઆત કરી હતી અને તેનો પ્રથમ પ્રોજેક્ટ અરિહંત સબમરીન હતી. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા 2009માં આ સબમરીન પાણીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી. જે પછી, ઓગસ્ટ 2016માં આ સબમરીન કાર્યરત કરવામાં આવી હતી. તેનું વજન 6000 ટન છે. INS અરિઘાતનું વજન પણ 6000 ટન છે. તે 50 દિવસથી વધુ પાણીની અંદર રહી શકે છે. પાણીની અંદર તેની ઝડપ 24 નોટિકલ માઈલ પ્રતિ કલાક છે. અરિઘાત પરમાણુ મિસાઇલ સબમરીન અરિહંત કરતાં પણ વધુ ઘાતક છે. તેની બેલેસ્ટિક મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર સુધીની છે.
સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અરિહંત વર્ગની બીજી સબમરીન INS અરિઘાતને વિશાખાપટ્ટનમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં નેવીમાં સામેલ કરવામાં આવી છે.'
રાજનાથ સિંહે આ અંગે કહ્યું કે 'આ સબમરીન ભારતને વધુ મજબૂત કરશે અને પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરશે અને આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન અને શાંતિ સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સબમરીન 'આત્મનિર્ભરતા' હાંસલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. '
બે પ્રકારની પરમાણુ સબમરીન હોય છે
પરમાણુ સબમરીન બે પ્રકારની હોય છે. ન્યુક્લિયર એટેક સબમરીન (SSN) અને ન્યુક્લિયર મિસાઈલ સબમરીન (SSBN). ન્યુક્લિયર મિસાઇલ સબમરીન માત્ર ન્યુક્લિયર હથિયારોનું વહન કરે છે. આ સબમરીન દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી નથી. ન્યુક્લિયર એટેક સબમરીનમાં પરમાણુ હથિયારો હોતા નથી. આ સામાન્ય સબમરીનની જેમ હોય છે પરંતુ તેને ઉર્જા ન્યુક્લિયર પાવરમાંથી મળે છે. ન્યુક્લિયર સબમરીન સામાન્ય સબમરીનની તુલનામાં ઘણી શક્તિશાળી હોય છે. આ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.