નેપાળ, બાંગ્લાદેશ બાદ હવે શ્રીલંકા, 'ચીની મિત્રો'થી ઘેરાઈ રહ્યું છે ભારત: શું કરશે મોદી સરકાર?
Sri Lanka New President Anura Kumara Dissanayake : ભારતના પડોશી દેશ શ્રીલંકામાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. ત્યાં માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ સૌથી વધુ મત મેળવી ચૂંટણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. જોકે કુમારાની જીત ભારતની ચિંતા વધારી શકે છે, કારણ કે તેઓ ચીનના સમર્થક હોવાનું મનાય છે. આ ઉપરાંત તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીલંકન પ્રજાને વચન આપ્યું હતું કે, તેઓ ભારત સાથે ચાલી રહેલા અનેક પ્રોજેક્ટો અટકાવી દેશે. શ્રીલંકન સત્તા પર કુમારા ભલે બેસી ગયા હોય, પરંતુ આગામી સમયમાં તેઓ કંઈ વિચારધારા અને કંઈ નીતિઓ સાથે આગળ વધી રહ્યા છે અને પડોશી દેશો સાથે કેવું વલણ દાખવશે, તે પણ જોવાનું રહેશે.
પડોશી દેશોમાં ઉથલપાથલ ભારત માટે બન્યો પડકાર
ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠું
સૌથી પહેલા આપણે વાત કરીશું ભારતના પડોશી દેશ પાકિસ્તાનની... આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી દુશ્મની ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી અવારનવાર ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છો. આ ઉપરાંત પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા આતંકવાદ છે, જેના કારણે ભારત પણ પરેશાન છે. પાકિસ્તાન તરફથી અવારનવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થતા રહે છે, જેના કારણે ભારતે અનેક સૈનિકોને ગુમાવવાનો વારો આવ્યો છે.
બીજીતરફ પાકિસ્તાન આર્થિક સંકટો સામે પણ ઝઝુમી રહ્યું છે. આ ઉપરાંત ત્યાં રાજકીય ઉથલ-પાથલ અને અસ્થિર સરકારના પડાકારો પણ જોવા મળતા રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, ભારત-ચીન વચ્ચે ઘણા વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને પાકિસ્તાન ચીનના ખોળામાં બેસી ગયું છે, જેનું સૌથી મોટું ઉદાહરણ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ છે, જોકે આ પ્રોજેક્ટ પાછળ ઘણા સવાલો ઉઠી રહ્યા છે અને તેના ચીન પણ ખુશ ન હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. આમ ચીન ભારતના પડોશી દેશોને લોન સહિતની મદદ કરી પોતાની જાળમાં ફસાવી રહ્યું છે.
આ પણ વાંચો : આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના
નેપાળનું પણ ભારત વિરોધી પગલું, ચીન સાથે કરી હતી મોટી ડીલ
ભારત અને નેપાળના સંબંધોની વાત કરીએ તો અગાઉ વર્ષ 2020માં બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ઉભો થયો હતો. તે વખતે નેપાળે ભારત સામે બાંયો ચઢાવીને સરહદે આવેલા લિપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની નામના વિસ્તારો પોતાના નવા નકશામાં સામેલ કરીને વિવાદ છંછેડ્યો હતો. તે વખતના નેપાળી વડાપ્રધાન કે.પી.શર્માનું વલણ પણ ભારત વિરોધી હતું. ભારતે 2015માં કરેલી નાકાબંધી પછી પણ તેમણે બંધારણ બદલવાનો ઈનકાર કરી દીધો હતો. ઉલટાનુ ભારતને વળતો જવાબ આપવા માટે તેઓ ચીનની નિકટ જતા રહ્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે થયેલી ડીલના ભાગરુપે ચીને પોતાના બંદરનો ઉપયોગ કરીને જરુરી સામાન મંગાવવાની પરવાનગી નેપાળને આપી દીધી હતી. ચીને નેપાળમાં પોતાની રેલવે લાઈ પણ ઉભી કરી દીધી છે. આમ ભારતનું નિકટનું સહયોગી મનાતું નેપાળ પણ હવે ચીન તરફ ઢળવા લાગ્યું હતું. પડોશી દેશો સાથે ઘરોબો કેળવવાનો ચીનનો પેંતરો નવો નથી. અગાઉ પણ ચીન નેપાળ માટે પરિયોજનાઓની જાહેરાત કરતું રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે વર્તમાન વિવાદની શરુઆત 1815માં થઈ હતી. ત્યારે બ્રિટિશરો ભારત પર રાજ કરતા હતા. જેમના હાથે નેપાળના રાજાની થયેલી હાર બાદ ઘણા વિસ્તારો બ્રિટિશ શાસકોએ પોતાના હસ્ત લઈ લીધા હતા. જેમાં સિકિકમ, નૈનિતાલ, દાર્જિલિંગ, લિપુલેખ, કાળાપાણીનો સમાવેશ થતો હતો.
ચીને આપેલી લોનની જાળમાં ફસાયું માલદીવ
ભારતના વધુ એક પડોશી દેશ માલદીવની વાત કરીએ તો ભારતે તેને આર્થિક સહિત ઘણી રીતે મદદ કરતું રહ્યું છે. જોકે થોડા મહિનાઓ પહેલા માલદીવની નવી ચૂંટાયેલી મોઇજુની સરકારના મંત્રીઓએ ભારત વિરોધી ટિપ્પણી કરતા વિવાદ થયો હતો. માલદીવના સાંસદોએ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નવી દિલ્હી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશને હવે માલદીવના વૈકલ્પિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમની ટિપ્પણી બાદ ભારતના લોકો વિફર્યા હતા અને તેમણે ધડાધડ માલદીવના પેકેજ રદ કરવાનું અભિયાન ચલાવી દીધું હતું. જેના લીધે એકાએક માલદીવમાં હડકંપ મચી ગયો હતો. વાસ્તવમાં માલદીવના અર્થતંત્રમાં ભારતનું મોટું યોગદાન છે, બીજીતરફ ચીન પણ તેના ખિસ્સા ભરતું રહ્યું છે. માલદીવ ઘણી ચીજવસ્તુઓ માટે સંપૂર્ણ ભારત પર નિર્ભર છે. બંને દેશો વચ્ચે ગત વર્ષે 500 મિલિયન ડૉલરથી વધુનો વેપાર થયો હતો, જે આ વર્ષે પણ વધી રહ્યો છે. ત્રણ દાયકા પહેલા બંને દેશો વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. કરાર મુજબ માલદીવ ભારતમાંથી તે ચીજવસ્તુઓની આયાત કરે છે, જેની અન્ય દેશોમાં નિકાસ કરી શકાતી નથી. આ ઉપરાંત માલદીવના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ ભારતના પૈસા લાગેલા છે. જોકે માલદીવ છેલ્લા ઘણા વર્ષોમાં ચીન પાસેથી મોટી લોન લીધી છે. આંકડા મુજબ માલદીવની જીડીપી લગભગ 6.5 બિલિયન અમેરિકી ડૉલરની છે, જ્યારે તેની જીડીપીનો 10 ટકા ભાગ ચીનને લોન ચુકવવામાં જતો રહે છે. ચીન માલદીવમાં મોટાપ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે, ચીને ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને ઉર્જા ક્ષેત્ર પર ધાક જમાવી છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું: એક બે નહીં 15 રાજ્યો આવી શકે છે ઝપેટમાં
બાંગ્લાદેશ : શેખ હસીનાએ સંબંધો જાળવ્યા, નવી સરકારે બગાડ્યા
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની વાત કરીએ તો... આ દેશમાં થોડા દિવસ પહેલા અનામત મુદ્દે ભારે હિંસા અને આંદોલનો થયા હતા, જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ ઘટના વચ્ચે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ પાંચમી ઓગસ્ટે દેશ છોડીને ભારતમાં ભાગવું પડ્યું હતું. હવે ભારત માટે ચિંતાની વાત એ છે કે, બાંગ્લાદેશમાં ચીનના સમર્થક મોહમ્મદ યુનુસ વચગાળાની સરકાર ચલાવી રહ્યા છે. એટલું જ નહીં હિંસા બાદ ત્યાં હિન્દુઓ પર હુમલો અને મંદિરોમાં તોડફોડની ઘટનાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત ત્યાં ભારતના જ કટ્ટર દુશ્મન બની બેઠેલાં પાકિસ્તાનના જનક ઝીણાને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. મોહમ્મદ યુનુસ અંગે એવું કહેવાય છે કે, તેઓ ચીનના પાક્કા સમર્થક છે અને તેમણે તાજેતરમાં જ ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું હતું. એટલું જ નહીં, નવી વચગાળાની સરકારે અલકાયદા સાથે સંબંધ ધરાવતા આતંકવાદી જસીમુદ્દીન રહમાનીને જેલમાંથી મુક્ત કરી દીધો હતો અને આ જ રહમાની ઘણી વખત ભારત વિરુદ્ધ બોલતો રહ્યો છે. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની વાત કરીએ તો સરકારે દુર્ગા પૂજાને લઈ આદેશ જાહેર કર્યો હતો, જેમાં હિન્દુઓને નમાઝ અને અઝાન દરમિયાન દુર્ગા પૂજા રોકવાનું કહેવાયું હતું. સરકારે હિન્દુ સમુદાયોને દુર્ગા પૂજા સંબંધિત ગતિવિધિઓને અઝાન અને નમાઝ દરમિયાન બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિની પાર્ટીનું ઓળખ ઉભી થવાનું કારણ ‘ભારત વિરુદ્ધ નિવેદનો’
ભારતના પડોશી દેશ શ્રીલંકામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ સૌથી વધુ મત મેળવી ચૂંટણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. કુમારાની જીત ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ ચીનની તરફેણમાં હોવાનું કહેવાય છે. ભારત હંમેશા શ્રીલંકાની પડખે ઉભી રહેતો દેશ છે અને ભારતે હંમેશા પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને ઘણું બધું આપતો રહ્યો છે. શ્રીલંકામાં વર્ષ 2022માં અસ્થિર સ્થિતિ સર્જાઈ હતી અને તે દરમિયાન ભારતે અનામ સહિતની મદદ કરી હતી. જોકે શ્રીલંકામાં લાલચી નેતાઓની એક જાળ બિછાયેલી છે અને આ નેતાઓ ભારતથી વધુ ચીન સાથે મિત્રતા વધારવાના પ્રયાસો કરતા રહે છે. એકતરફ ભારત શ્રીલંકાની જરૂરીયાતો પુરી કરતો રહે છે, તો બીજીતરફ રોકાણ ચીન પાસેથી કરાવવામાં આવે છે. આ જ કારણે કુમારા રાષ્ટ્રપતિ બની ગયા છે. ભારત વિરુદ્ધ નિવેદનો કરવાના કારણે જ કુમારાની પાર્ટીની ઓળખ ઉભી થઈ છે.
ભારતના પાંચેય પડોશી દેશોને ચીન તરફ વધુ આશા
ભારતના બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સાથે ગાઢ સંબંધો હતા. જોકે નેપાળમાં ચીનના જગજાહેર ચાહક કે.પી.ઓલી શર્માએ સત્તા સંભાળી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયા બાદ મોહમ્મદ યુનુસ વચગાળાની સરકાર ચલાવી રહ્યા છે અને તેઓ પણ ચીનની તરફેણ નિવેદન આપતા રહ્યા છે. જ્યારે શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિસાનાયકે કુમારા રાષ્ટ્રપતિ બન્યા છે અને તેમની પાર્ટી ભારત વિરુદ્ધ નિવેદનો કરવા મામલે જાણીતી છે. આ ઉપરાંત માલદીવની મોહમ્મદ મોઈજ્જુ સરકાર પણ ચીન તરફી પ્રેમ જાહેર કરી ચુકી છે. આવી સ્થિતિમાં હાલમાં શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ અને પાકિસ્તાન ચાર એવા પાડોશીઓ તરીકે સામે આવીને ઉભા છે જેઓ ભારત કરતાં ચીન તરફ વધુ આશાઓ સાથે જોઈ રહ્યા છે. ભારતના અન્ય પડોશી દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને મ્યાનમારમાં રાજકીય અસ્થિરતાનો સમયગાળો ચાલી રહ્યો છે અને અસ્થિરતાની અસર ભારતની કૂટનીતિ પર પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં ડાબેરી નેતાનું સત્તામાં આવવું એ ભારત માટે બહુ સારા સંકેત ગણી શકાય નહીં.