Get The App

આઇડિયા સારો, PMએ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા: રાહુલ ગાંધીનું મેક ઇન ઈન્ડિયા મુદ્દે નિવેદન

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
આઇડિયા સારો, PMએ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા: રાહુલ ગાંધીનું મેક ઇન ઈન્ડિયા મુદ્દે નિવેદન 1 - image


Parliament Budget Session LIVE: સંસદના બજેટ સત્રમાં ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ મુદ્દે ચર્ચા થઈ. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધૂરીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની શરુઆત કરી હતી. હવે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લીધી હતી. 

શું બોલ્યા રાહુલ ગાંધી...?

રાહુલ ગાંધીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર કહ્યું કે તેમાં કંઈ જ નવું નહોતું. અમે એવું વિચારી રહ્યા હતા કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિનું અભિભાષણ કેવું હોત. રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણમાં બેરોજગારીનો કોઈ ઉલ્લેખ નહોતો. વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયાની જે વાત કરી છે તે આઇડિયા સારો છે પણ મોદી સરકાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. અમે વડાપ્રધાન પર દોષ નથી મઢી રહ્યા, પીએમએ પ્રયાસ કર્યા છે, આઇડિયા સારો હતો પણ તે નિષ્ફળ ગયા. 

મેન્યુફેક્ચરિંગ 60 વર્ષમાં સૌથી નીચલા સ્તરે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ 60 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરતાં તેમણે ફોન બતાવ્યો અને કહ્યું કે ભલે આપણે કહીએ છીએ કે આ મોબાઇલ ભારતમાં બનેલો છે પણ હકીકત એ છે કે તે ફક્ત અહીં એસેમ્બલ થયો છે. તેના પાર્ટ્સ તો ચીનથી આવ્યા છે. 

કમ્યુટર લવાયું ત્યારે લોકો હસતા હતા 

રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે, આપણે પેટ્રોલિયમથી બેટરી અને પરમાણુ ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ. દરેક વસ્તુ બદલાઈ રહી છે. છેલ્લે જ્યારે ક્રાંતિ થઈ હતી ત્યારે ભારત સરકારે કોમ્પ્યુટર ક્રાંતિને ભાળી લીધી હતી અને ફોકસ કર્યું હતું. આજે તેના પરિણામ દેખાઈ રહ્યા છે. લોકો હસતા હતા જ્યારે કોમ્પ્યુટર લવાયું હતું. 

વાજપેયીનું સન્માન કરું છું પણ... 

વાજપેયીનું હું સન્માન કરું છું પણ તે પણ કોમ્પ્યુટરની વિરુદ્ધમાં હતા. યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે છતાં ઈલેક્ટ્રિક મોટર અને એન્જિન ત્યાં બને છે. રોબોટથી લઈને ડ્રોન સુધીનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એઆઈ મુદ્દે ચર્ચા કરી. તેમણે કહ્યું આજે બધા એઆઈ વિશે વાત કરે છે. એઆઈ ડેટા દ્વારા ઓપરેટ થાય છે. વગર ડેટાએ એઆઈ કંઈ જ નથી. પણ સવાલ એ છે કે એઆઈ કયો ડેટા વાપરે છે. ભારત પાસે કોઈ ડેટા નથી, તે કાં તો ચીન કે પછી અમેરિકાના ડેટાનો ઉપયોગ કરે છે. 

ચીન દ્વારા ભારતની જમીન પર કબજો : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને દુનિયામાં થઈ રહેલા પરિવર્તનોની જાણ નથી. આપણે પ્રાથમિક શિક્ષણના લેવલથી જ બેટરી અને એન્જિન વિશે બાળકોને શીખવાડવાનું શરુ કરવું જોઈએ. આ મામલે ચીન આપણા કરતાં 10 વર્ષ આગળ છે. આપણે તેનાથી ઘણા પાછળ છીએ. આપણી પાસે બચત અને વપરાશનો ડેટા પણ નથી. ચીન પર ભારતીય જમીન પર કબજો કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ તેને નકારી કાઢ્યું પરંતુ સેનાએ કહ્યું કે ચીને 4,000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં શાસક પક્ષના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. રાહુલ ગાંધીએ આવું ન કહેવું જોઈએ, આ દેશ માટે સારું નથી. 

જયશંકરની અમેરિકાની મુલાકાત વિશે માર્યો ટોણો 

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં પીએમ મોદીને આમંત્રણ ન મળવા અંગે ટોણો મારતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમે હોત તો અમારા પીએમ માટે આમંત્રણ મેળવવા કોઈને અમેરિકા ન મોકલ્યા હોત. તેના પર તાત્કાલિક કિરણ રિજિજુએ વાંધો દર્શાવ્યો અને કહ્યું કે વિપક્ષના નેતા આ પ્રકારની નિવેદનબાજી ના કરે. મજબૂત પુરાવા રજૂ કરે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે જયશંકરને ત્રણ વખત અમેરિકા મોકલવામાં આવ્યા હતા. જો આ પ્રશ્ન તમને ખૂંચતો હોય તો હું માફી માંગુ છું. તમારે ગંભીર રહેવું પડશે. 

ભાજપના ઓબીસી સાંસદો પાસે કોઈ સત્તા નથી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ચીન આપણા કરતાં ઘણું આગળ છે. ઉત્પાદન ક્રાંતિ પર ભારત અને અમેરિકા વચ્ચે સહયોગની હિમાયત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું કે અમેરિકામાં ઉત્પાદન આપણા વિના શક્ય નથી. ભારતીય બૅંકિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમણે તેલંગાણામાં જાતિગત વસ્તી ગણતરીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેલંગાણામાં 90 ટકા લોકો SC-ST, OBC અને લઘુમતી છે. દેશમાં ઓબીસી વસ્તી 50 ટકાથી ઓછી નથી. ગત બજેટનો હલવા વિતરણ કરતો ફોટો દર્શાવતાં તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થયું કે આ વખતે હલવાનો ફોટો હટાવી દેવામાં આવ્યો. હલવો ખવડાવ્યો, પણ કોને ખવડાવ્યો? રાહુલે કહ્યું કે ભાજપના ઓબીસી સાંસદો મોં ખોલી શકતા નથી. ભાજપના ઓબીસી, એસસી-એસટી સાંસદો પાસે કોઈ સત્તા નથી. તેના પર ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો. 

દેશમાં બંધારણનું જ શાસન રહેશે : રાહુલ ગાંધી 

દેશ સમક્ષના પડકારોની ચર્ચા કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે એક તરફ આપણે જાતિ આધારિત વસ્તી ગણતરી SC-ST, OBCની ભાગીદારી વધારવા માટે પ્રયાસો કરવાની જરૂર હતી ત્યારે બીજી તરફ આપણે ચીનના પડકારનો સામનો કરીને ક્રાંતિના સમયે દુનિયા સાથે કદમતાલ કરવાની જરૂર હતી. આ વાત ઇન્ડિયા બ્લૉકના રાષ્ટ્રપતિના અભિભાષણમાં હોત. RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો ઉલ્લેખ કરતા, તેમણે બંધારણની એક નકલ બતાવી અને કહ્યું કે દેશમાં તો બંધારણનું જ શાસન હશે.

ચૂંટણીમાં ધાંધલીઓ વિશે હસતા મોઢે રાહુલ વરસ્યા

મહારાષ્ટ્રના પરિણામોનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે ઇન્ડિયા બ્લોકે લોકસભા ચૂંટણી જીતી. વિધાનસભા ચૂંટણી માટે હિમાચલ પ્રદેશની સમગ્ર વસ્તી જેટલા નવા મતદારો મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા. લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો ઉમેરાયા. મહારાષ્ટ્રમાં જેટલા મતદારો પાંચ વર્ષમાં રજિસ્ટર્ડ થયા હતા એટલા જ છેલ્લા પાંચ મહિનામાં ક્યાંથી આવી ગયા? શિરડીની એક ઈમારતમાં સાત હજાર નવા મતદારો ઉમેરાયા. હું કોઈ આરોપ લગાવી રહ્યો નથી. હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે કંઈક તો ગરબડ છે. હિમાચલ પ્રદેશ જેટલા મતદારો લોકસભા ચૂંટણી બાદ જાદુથી આવી જાય છે. અમે ચૂંટણી પંચ પાસે માંગણી કરી છે કે અમને લોકસભાની મતદાર યાદી, નામ અને સરનામા પૂરા પાડવામાં આવે. નવા મતદારો મોટાભાગે તે વિધાનસભા બેઠકો પર ઉમેરાયા હતા જ્યાં ભાજપનો સફાયો થઈ ગયો હતો. અમારી પાસે આ ડેટા છે. ચૂંટણી કમિશ્નરની પસંદગી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા થવાની હતી તો પછી મુખ્ય ન્યાયાધીશને કેમ હટાવવામાં આવ્યા? 

બે નવા ચૂંટણી કમિશ્નર બનાવવા સામે સવાલ ઊઠાવ્યા : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા બે ચૂંટણી કમિશ્નરો લાવવા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે એક સમજી વિચારેલી રણનીતિ હતી. ચૂંટણી પંચમાં અમને ન્યાય નહીં મળે. ભગવાન શિવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશને તેના પ્રાચીન વારસા સાથે જોડાયેલા રહેવાની જરૂર છે. તમે સરદાર પટેલનો ઉલ્લેખ કરો છો પણ તેમના મૂલ્યોને રોજ કચડી નાખો છો. તમે ભગવાન બુદ્ધ વિશે વાત કરો છો, પણ તેમના મૂલ્યોમાં માનતા નથી.


આઇડિયા સારો, PMએ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા: રાહુલ ગાંધીનું મેક ઇન ઈન્ડિયા મુદ્દે નિવેદન 2 - image




Google NewsGoogle News