એશિયન ગેમ્સમાં ભારતની 107 મેડલ સાથે શાનદાર સિદ્ધિ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
એશિયન ગેમ્સમાં ભારતની 107 મેડલ સાથે શાનદાર સિદ્ધિ 1 - image


- એશિયાડના ઈતિહાસમાં ભારતના પહેલીવાર 100થી વધુ મેડલ : 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં ચોથા સ્થાને

- તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતળેના 3-3 ગોલ્ડ મેડલ : એક જ દિવસમાં છ ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે 12 મેડલ જીતી ભારતનું એશિયન ગેમ્સમાં સમાપન

હાંગઝોઉ : ગોલ્ડન સુપરસ્ટાર્સના શાનદાર દેેખાવ કરતાં ચીનના હાંગઝોઉમાં સમાપનના આરે પહોંચેલા ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતે ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રોન્ઝ એમ કુલ મળીને ૧૦૭ મેડલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. ભારતે ૭૨ વર્ષના એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર ૧૦૦થી વધુ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. આ સાથે એશિયાના ૪૫ દેશોના રમત મહાકુંભના મેડલ ટેબલમાં ભારતે ચોથો ક્રમ હાંસલ કર્યો હતો. જે એશિયાડના મેડલ ટેબલમાં  ૧૯૬૨ પછીનો ભારતનો શ્રેષ્ઠ રેન્ક છે.  છેલ્લે ૧૯૬૨ની જકાર્તા એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતુ. વધુમાં આ એશિયન ગેમ્સમાં ભારતે તેના ઈતિહાસમાં સૌથી વધુ ૨૮ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. આ અગાઉનો ભારતનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૧૮ના એશિયાડમાં ૧૬ ગોલ્ડ જીતવાનો હતો. 

આ સાથે ભારતના હાંગઝોઉ એશિયન ગેમ્સના મિશનનું સમાપન થયું હતુ. હવે આવતીકાલે સમાપન સમારંભ યોજાશે. ગેમ્સમાં ભારતની તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતળેએ જુદી-જુદી ત્રણ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે અનોખો ઈતિહાસ રચી દીધો હતો. ભારતે ગેમ્સના ૧૪માં દિવસે છ ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ ૧૨ મેડલ જીતી લીધા હતા. આજના દિવસે ભારતને કબડ્ડીમાં પુરુષ અને મહિલા ટીમોએ, ક્રિકેટમાં પુરુષ ટીમે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. 

આ ઉપરાંત તીરંદાજીમાં જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતળે કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. બેડમિંટનમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ ભારતને મેન્સ ડબલ્સમાં પહેલીવાર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 

અત્યાર સુધી રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતનો અગાઉનો સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ ૨૦૧૮માં જકાર્તા ખાતે નોંધાયો હતો. ત્યારે ભારતે ૧૬ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૩૧ બ્રોન્ઝ એમ કુલ ૭૦ મેડલ જીત્યા હતા. જોકે આ વખતે મેડલ જીતવામાં ભારત ૧૦૦ની આગળ નીકળી ગયું હતુ. જોકે ચીને ૧૯૮ ગોલ્ડ, ૧૦૮ સિલ્વર અને ૭૦ બ્રોન્ઝ એમ કુલ મળીને ૩૭૬ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતુ.ત્યાર બાદ  જાપાન ૪૯ ગોલ્ડ, ૬૪ સિલ્વર અને ૬૮ બ્રોન્ઝ સાથે ૧૮૧ મેડલ તેમજ સાઉથ કોરિયા ૩૯ ગોલ્ડ, ૫૮ સિલ્વર અને ૮૯ બ્રોન્ઝ સાથે ૧૮૬ મેડલ જીત્યું હતુ. 

૧૯માં એશિયન ગેમ્સમાં ભારતને સૌથી વધુ ૨૯ મેડલ એથ્લેટિક્સમાં મળ્યા હતા. જેમાં છ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સામેલ હતા. જ્યારે ભારતને સૌથી વધુ ૭ ગોલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યા હતા. આ સિવાય શૂટરોએ નવ સિલ્વર અને ૬ બ્રોન્ઝ એમ કુલ ૨૨ મેડલ જીત્યા હતા. ભારતીય તીરંદાજોએ પાંચ ગોલ્ડ સાથે બે સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે ૯ મેડલ જીતી લીધા હતા. 

                   મેડલ ટેબલ

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

કુલ

ચીન

૧૯૮

૧૦૮

૭૦

૩૭૬

જાપાન

૪૯

૬૪

૬૮

૧૮૧

સા.કોરિયા

૩૯

૫૮

૮૯

૧૮૬

ભારત

૨૮

૩૮

૪૧

૧૦૭

ઉઝબેકિસ્તાન

૨૧

૧૮

૩૦

૬૯

તાઈપેઈ

૧૮

૧૯

૨૮

૬૫

ઈરાન

૧૩

૨૧

૧૯

૫૩

થાઈલેન્ડ

૧૨

૧૪

૩૧

૫૭

નોર્થ કોરિયા

૧૧

૧૮

૧૦

૩૯

બહેરિન

૧૧

૦૩

૦૫

૧૯


Google NewsGoogle News