અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન દર્શાવતાં પોસ્ટરો ભાજપે 'મુંગેરીલાલ કે હસીન સપને' કહી ઠેકડી ઉડાડી
- સૌ જાણે છે : કોંગ્રેસ રાહુલને PMપદ માટે પ્રોજેક્ટ કરે છે
- લખનૌમાં આ પ્રકારનાં પોસ્ટરોને લીધે INDIAગઠબંધનના સાથીઓ, સપા, કોંગ્રેસ વચ્ચે તિરાડો વધતી જશે : નિરીક્ષકો
લખનૌ : સપાના પ્રમુખ અને ઉ.પ્ર.ના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવતા પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લાગી ગયાં છે. અહીં (લખનૌમાં) આવેલા સમાજવાદી પાર્ટીના મુખ્ય મથક પાસે તો તે પ્રકારનું વિશાળ પોસ્ટર પણ મુકી દવાયું છે. આ સાથે મધ્ય પ્રદેશમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી માટે કોંગ્રેસ અને સપા વચ્ચે ઉભા થયેલા મતભેદોની તિરાડ વધુ મોટી બની ગઈ છે. તો બીજી તરફ સપાના સર્વેસર્વા ની આ એષણાની ઠેકડી ઉડાડતાં ભાજપે તેન 'મુંગેરીલાલ કે હસીન સપને' કહી દીધું છે.
ભાજપે આ અંગે કહ્યું હતું કે, કોઈને પણ દીવા સ્વપ્નો જોવાતા રોકી શકાય જ નહીં. પરંતુ દરેકે પોતાની હેસિતય પ્રમાણે દીવા સ્વપ્નો જોવા જોઈએ. આ સાથે તે ઉલ્લેખનીય છે કે, દેશની સંસદમાં રહેલા અગ્રીમ વિરોધ પક્ષ કોંગ્રેસે તો, લોકસભાની આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના પક્ષના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ નિશ્ચિત જ કરી દીધું છે. તો બીજી તરફ ઇંડીયા ગઠબંધનમાં રહેલા સાથી પક્ષો પૈકી બિહારના જ.દ.(યુ)ના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર વડાપ્રધાન બનવા આતુર છે. પ. બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનર્જી પણ વડાપ્રધાન માટે આતુર છે. ત્યારે અચાનક જ અખિલેશને ટોપ પર પહોંચવાના કોડ જાગ્યા છે. આ સ્પર્ધાત્મકતા જ ઇંડીયા ગઠબંધનને આગળ આવવામાં સૌથી વધુ અવરોધો બની શકે તેમ છે.
ભાજપની વાત સ્પષ્ટ છે. ચોવીશની ચૂંટણી માટે વડાપ્રધાન પદના નેતા ઉમેદવાર નરેન્દ્ર મોદી જ છે. જ્યારે આ પોસ્ટરોને લીધે કોંગ્રેસ-સપા વચ્ચે મતભેદો જે અત્યારે પણ છે, તે તીવ્ર બની રહેવા સંભવ છે.
લખનૌ સ્થિત સપાનાં મુખ્ય મથક પાસે અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવતાં પોસ્ટરો લખનૌમાં મુકાઈ ગયાં છે. તેમાં સપાની મુખ્ય ઓફીસ પાસેનું સૌથી મોટું હોર્ડિંગ જેવું પોસ્ટરો સપાના નેતા ફકરૂલ હસન છાંદે મુકાવ્યું છે.
આ અંગે ભાજપના નેતા દાનીશ આઝાદ અન્સારીએ કહ્યું હતું કે, એક કહેવત છે, 'મુંગેરીલાલ કે હસીન સપને'. કોઈ કોઈને દીવા સ્વપ્નો જોતાં રોકી ન જ શકાય. પરંતુ દરેકે પોતાની હેસિતય પ્રમાણે દીવા સ્વપ્નો જોવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ નીચે આપણો દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. દેશની જનતાને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે અને દેશ વડાપ્રધાન મોદીને ત્રીજી ટર્મ માટે પણ વડાપ્રધાન પદ માટે ચૂંટી કાઢશે તે નિશ્ચિત છે.