Get The App

બાંગ્લાદેશનો ભારત પર આરોપઃ 'તમે લઘુમતીઓના સંરક્ષણ બાબતે 'બેવડા ધોરણો' રાખો છો'

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશનો ભારત પર આરોપઃ 'તમે લઘુમતીઓના સંરક્ષણ બાબતે 'બેવડા ધોરણો' રાખો છો' 1 - image


Bangladesh News: બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ભારતે પણ આ વિષયમાં ચિંતા વ્યક્ત કરી છે. એવામાં 29 નવેમ્બર, શુક્રવારના રોજ બાંગ્લાદેશે ‘ભારત લઘુમતી સમુદાયોના રક્ષણ બાબતે ‘બેવડા ધોરણો’ અનુસરતું હોવાના’ અને ‘ભારતનું મીડિયા બાંગ્લાદેશ વિશે ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ચલાવતું હોવાના’ આરોપ લગાવી દીધા હતા. 

‘ભારત પર બેવડા ધોરણો’ના આરોપ કોણે લગાવ્યા?

બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા બાબતોના સલાહકાર આસિફ નઝરુલે એક ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવતા લખ્યું હતું કે, ‘બાંગ્લાદેશ માટે ભારત ‘અયોગ્ય ચિંતા’ કરી રહ્યું છે. ભારતમાં લઘુમતી મુસ્લિમ સમુદાય પર ક્રૂરતાની અસંખ્ય ઘટનાઓ બની રહી છે. પરંતુ એનો તેમને કોઈ પસ્તાવો કે શરમ નથી. ભારતનું આ બેવડું ધોરણ નિંદનીય અને વાંધાજનક છે. બાંગ્લાદેશની બહુમતી (64.1%) માને છે કે વચગાળાની સરકાર અગાઉની અવામી લીગ સરકારની તુલનામાં દેશના લઘુમતી સમુદાયોને વધુ સારી સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ છે.’

આ ઘટનાના સંદર્ભમાં લગાવ્યા આરોપ

તાજેતરમાં બાંગ્લાદેશમાં ‘બાંગ્લાદેશ સંમિલિત સનાતની જાગરણ જોટે’ના પ્રવક્તા અને હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકોની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ચટ્ટોગ્રામના ન્યૂ માર્કેટ વિસ્તારમાં યોજાયેલી હિંદુ સમુદાયની રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દાસના જામીન પણ નકારી દેવામાં આવ્યા હતા અને તેમને જેલમાં ધકેલી દેવાયા હતા, જેના કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

વચગાળાની સરકારે આડે હાથે લીધું ભારતના મીડિયાને

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે બાંગ્લાદેશના પત્રકારોને વિનંતી કરતા કહ્યું હતું કે, ‘ભારતનું મીડિયા બાંગ્લાદેશનું ‘સત્ય’ છુપાવીને તેમને મનફાવે એમ ‘ખોટી માહિતી’ ફેલાવે છે. તમે એમનો સામનો કરીને આપણું સત્ય આપણી રીતે રજૂ કરો.’ 

ભૂતપૂર્વ પત્રકાર એવા આલમે જણાવ્યું હતું કે, ‘ઘણા બાંગ્લાદેશી પત્રકારોને હવે સમજાયું છે કે ભારતીય મીડિયા બાંગ્લાદેશ વિશે ખોટી માહિતી ફેલાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે. તેમનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’

'અમે પણ સ્માર્ટ છીએ'

શફીકુલ આલમે જણાવ્યું હતું કે, ‘અમુક લોકોને લાગે છે કે ભારતીયો સ્માર્ટ છે, એવા લોકોને જાણ થાય કે સ્માર્ટ લોકો (ભારતની) પૂર્વ સરહદે પણ રહે છે. થોડા મહિના પહેલા એ જ સ્માર્ટ લોકોએ માનવ ઇતિહાસની ‘શ્રેષ્ઠ ક્રાંતિ’ કરીને એક ‘ક્રૂર સરમુખત્યારશાહી’ને હાંકી કાઢી હતી. જો તમે સત્યના પક્ષે હશો તો ખોટી માહિતી ફેલાવતી કોઈપણ ઝુંબેશ તમને રોકી શકશે નહીં.


ભારતના હસ્તક્ષેપનો કરાયો વિરોધ

બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં ભારતના કથિત હસ્તક્ષેપનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓના એક જૂથે ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભારત પર સરહદ પર હત્યાઓ કરાવવાના, ધાર્મિક દમન કરવાના અને બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક ઝઘડો ભડકાવવાના આરોપ મૂક્યા હતા. તેમણે ભારતમાં શરણ લેનાર પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની અને બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ઇસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.

વિરોધ કરનારા જૂથે ભારત સાથે છેલ્લા 16 વર્ષમાં થયેલા કરારોની સમીક્ષા કરવાની અને બંને દેશમાં વહેતી નદીઓના પાણીની ન્યાયી વહેંચણીની ખાતરીની પણ માંગ કરી હતી.

ભારતને મિત્ર-રાષ્ટ્ર ગણવાનો ઈનકાર

વિદ્યાર્થી અધિકાર પરિષદના પ્રમુખ બિન યામીન મોલ્લાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘ભારત દર અઠવાડિયે અમારી સરહદ પર લોકોની હત્યા કરી રહ્યું છે. તેમના પોતાના દેશમાં લઘુમતીઓ પર દરરોજ અત્યાચાર ગુજારવામાં આવે છે. તાજેતરમાં, ભારતમાં એક મસ્જિદની આસપાસ કેન્દ્રિત એક ઘટનામાં ઘણા મુસ્લિમો માર્યા ગયા. આવા માહોલમાં બાંગ્લાદેશ ભારતને મિત્ર-રાષ્ટ્ર ગણી શકે નહીં.’

ભારતે શું કહ્યું?

ભારતના વિદેશ મંત્રાલય (MEA – મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને આપવામાં આવતી ધમકીઓ અને તેમના પર કરાતા હુમલાઓ અંગે ભારતે બાંગ્લાદેશ સરકાર સામે મજબૂત રીતે રજૂઆત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવવી જોઈએ.


Google NewsGoogle News