ભારત સાથે સંરક્ષણ કરારો કરવા મુઈજ્જુ તૈયાર ભારતના સંરક્ષણ સચિવ અને માલદીવના લશ્કરી વડા વચ્ચે મંત્રણા
- દેવામાં ડૂબેલા માલદીવ માટે ભારત એક માત્ર આશા
- એક સમયે 'ઈન્ડીયા-આઉટ' કહેનારા મુઈજ્જુ બંને દેશોના સૈન્ય સરકારની તરફેણમાં : આથી હિન્દ મહાસાગરમાં શાંતિ ટકવાની આશા
નવી દિલ્હી : મોહમ્મદ મુઈજ્જુ સત્તા પર આવ્યા પછી તેણે ભારત સાથે કઠોર વલણ અપનાવ્યું હતું. તેથી બંને દેશોના સંબંધો બગડયા તો બીજી તરફ માલદીવની આર્થિક સ્થિતિ કથળતી રહી તેણે 'ઈન્ડીયા-આઉટ'નો નારો જગાવ્યો તે પછી ભારતમાંથી આવતા સહેલાણીઓ બંધ જ થઈ ગયા. દુનિયાભરમાંથી આવતા પર્યટકો પૈકી આશરે ૩૦ ટકા જેટલા તો ભારતીયો હતા. તેઓના રોકાણો પણ લાંબો સમય હતા. આથી માલદીવને બહુ મોટો આર્થિક ફટકો પડી રહ્યો.
માલદીવ પહેલેથી જ આઈ.એસ.એફ. અને વર્લ્ડબેઝના દેવામાં ડૂબેલું હતું. તેમાંથી બહાર નીકળવા તેણે ચીનનો સહારો લીધો. ચીનના 'શાહુકારો'એ તો ધીરાણો આપવા સાથે જે કઠોર શરતો મુકી તેથી માલદીવ રૃંધાઈ રહ્યું હતું. ત્યારે જે ભારતને 'આઉટ' કહેતું હતું તે ભારત પાસે જ ધીરાણ માગવા પડયા. તેને ૮મી ઓક્ટોબરે ૫૦૦ મીલીયન ડૉલરનો હપ્તો ચુકવવો પડે તેમ છે. તે ન ચુકવે તો તે 'ડીફોલ્ટર' જાહેર થાય તેમ છે. તેથી ભારત હવે તેની એક માત્ર આશા રહ્યં છે. ભારતે સહાય કરવાનું વચન પણ આપ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર માલદીવની મુલાકાતે ગયા. ત્યારે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી તાજેતરમાં જ ભારતના સંરક્ષણ-સચિવ ગિરિધર અરમાને અને માલદીવના ચીફ ઓફ ડીફેન્સ ફોર્સીસ ઈબ્રાહીમ હીલ્મી વચ્ચે થયેલી મંત્રણામાં બંને પક્ષોએ સંરક્ષણ સહકાર અને ભવિષ્યમાં સૈન્ય અભ્યાસો વિષે મંત્રણા થઈ હતી. ભારતે જણાવ્યું હતું કે આથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબુત થશે. હિન્દ-મહાસાગર વિસ્તારમાં શાંતિ ટકી રહેશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મુઈજ્જુએ માલદીવ સ્થિત ભારતીય લશ્કરી અધિકારીઓને તેમના 'ઈન્ડીયા-આઉટ-કેમ્પેઈન'ના ભાગરૂપે માલદીવ છોડી દેવા 'હુકમ' કર્યો હતો પરંતુ તેના ડ્રોન વિમાનો, હેલિકોપ્ટર્સ વગેરે ઑપરેટ કરવામાં અને તેની મરામત કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. તેથી તેને ભારતના ટેકનિકલ સ્ટાફને બોલાવવો પડયો છે. જેઓ અત્યારે પણ ત્યાં હાજર છે.
માલદીવના પ્રમુખ મુઈજ્જુએ 'ભારત-આઉટ' નારો જગાવીને જ પ્રમુખ પદની ચુંટણીમાં વિજય મેળવ્યો હતો. ત્યારે માલદીવના વિપક્ષોએ તેમજ જનસામાન્યતા બુદ્ધિજીવીઓએ કહ્યું હતું કે ભારત તો આપણો '૧૯૯' નંબર છે. (સંકટ સમયનો ફોન નંબર છે.) તેની સાથે સંબંધો બગાડવા ન જ જોઈએ.
તે સર્વવિદિત છે કે માલદીવ, ઘઉં, ચોખા, દાળ, કઠોળ અને મરઘા-બતકાં તથા માંસ પણ ભારતમાંથી આયાત કરે છે. ભારત તેને સસ્તા દરે તે બધું પહોંચાડે છે. માલદીવ પાસે મત્સ્યઉદ્યોગ સિવાય અન્ય કોઈ 'ઉદ્યોગ' ન હતો. તેનો મુખ્ય ખોરાક માછલીનો છે. બાકી બીજું બધું તે ભારતથી જ આયાત કરે છે. સુનામી સમયે તો ભારતે તેને લાખ્ખો લોટા પીવાનું પાણી સ્ટીમરોમાં મોકલ્યું હતું.
ભારત અને માલદીવના સંરક્ષણ સંબંધો પહેલેથી જ મજબુત રહ્યા છે. ભારતે તેને ડોર્નિયર વિમાનો, સી-પ્લેન્સ અને નાના યુદ્ધ જહાજો પણ આપ્યા છે. ભારતે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ પણ કરી આપ્યા છે. તેમાં ભારતના જ નાણાંથી ૫૦૦ મીલીયન ડૉલરનો ગ્રેટર-માલે-કનેક્ટિવિટી-પ્રોજેક્ટ મુખ્ય છે.
હિન્દ મહાસાગરમાં લગભગ હાર્દસ્થાને રહેલો માલદીવ દ્વિપ-સમુહ ભારત માટે પણ ઘણો મહત્વનો છે.