ચાંચિયાઓ સામે ભારતનું અભિયાન અરબ સમુદ્રમાં 10થી વધુ યુદ્ધ જહાજ તૈનાત

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ચાંચિયાઓ સામે ભારતનું અભિયાન  અરબ સમુદ્રમાં 10થી વધુ યુદ્ધ જહાજ તૈનાત 1 - image


- ચાંચિયાઓના હુમલા વધતા ભારતીય નેવી-કોસ્ટ ગાર્ડ સક્રિય

- આધુનિક મિસાઇલોથી સજ્જ આઇએનએસ જહાજો ભારતીય કાર્ગો જહાજોની સુરક્ષા કરશે, ડ્રોન્સથી ચાંપતી નજર

નવી દિલ્હી : ભારતે અરબ સમુદ્રમાં ૧૦થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી સમુદ્રી લૂંટારા ભારતીય જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં આવુ એક કાર્ગો જહાજ હાઇજેક કરવાની પણ ઘટના સામે આવી છે. જે પહેલા ડ્રોન હુમલાની પણ ઘટના સામે આવી છે. ભારતની સમુદ્રી સરહદોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીએ અરબ સમુદ્રમાં ૧૦થી વધુ યુદ્ધ જહાજ તૈનાત કરી દીધા છે.  

અરબ સમુદ્ર અને અદનની ખાડીમાં ભારતીય નેવી ચાંચિયાઓ સામે અભિયાન ચલાવી રહી છે જે સ્વતંત્ર છે. જ્યારે અમેરિકાએ પણ સમુદ્રમાં ચાંચિયાઓ અને હુથી વિદ્રોહીઓ સામે ઓપરેશન પ્રોસપૈરિટી ગાર્જિયન અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન યમનના હુથી વિદ્રોહીઓના વધી રહેલા હુમલા બાદ ચલાવાઇ રહ્યું છે. એવામાં તાજેતરમાં અરબ સમુદ્ર અને અદનની ખાડીમાં ભારતીય કાર્ગો જહાજો પર સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા હુમલા વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભારતે પણ અમેરિકા જેવું ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ અભિયાનનો હેતુ ભારતીય જહાજો પર થતા હુમલાને અટકાવવાનો છે. ભારતીય નેવીના પી૮૧ વિમાનો અને એમક્યુ-૯બી સી ગાર્જિયન પ્રીડેટર ડ્રોન્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ બન્નેની મદદથી સમુદ્રની લાઇવ તસવીરો મેળવવામાં આવી રહી છે. આ કામ માટે ઇલેક્ટ્રો અને ઓપ્ટિક તેમજ એડવાંસ સેંસર પણ મદદરૂપ થઇ રહ્યા છે. જે યુદ્ધ જહાજોને અરબ સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે તેમાં આઇએનએસ કોલકાતા, આઇએનએસ કોચી, આઇએનએસ ચેન્નાઇ અને આઇએનએસ મોર્મુગોનો સમાવેશ થાય છે. આ જહાજ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલોથી સજ્જ છે. આ ઉપરાંત મલ્ટીરોલ ફ્રિગેડ આઇએનએસ તલવાર અને આઇએનએસ તર્કશ પણ તૈનાત કરાયા છે. નેવીને કોસ્ટ ગાર્ડ પણ મદદ કરી રહી છે.   


Google NewsGoogle News