કતલની એ રાતઃ ઈમરાન પાકિસ્તાનથી સતત ફોન કરતા રહ્યા, PM મોદીએ ઉપાડ્યો જ નહીં
ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાના પુસ્તકમાં કરાયેલા રસપ્રદ ઘટસ્ફોટ
Indian Air Force: એ ઘટના તમને યાદ હશે, જ્યારે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના જવાન અભિનંદન વર્ધમાનને ઝડપી લીધા હતા. પાકિસ્તાને નક્કી કરી લીધું હતું કે તેઓ પાકિસ્તાનની સરહદમાં ફાઈટર જેટ લઈને ઘૂસેલા જવાનને નહીં છોડે. જોકે એ દિવસે એવું તો શું થયું કે અભિનંદન વર્ધમાન હેમખેમ ભારત પાછા ફર્યા? આ વાતનો ઘટસ્ફોટ પૂર્વ હાઈ કમિશ્નર અજય બિસારિયાના પુસ્તક ‘એંગર મેનેજમેન્ટઃ ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશનશિપ્સ બિટવીન ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં કરાયો છે.
સરહદે મિસાઈલો તહેનાત થતા જ ખળભળાટ
પુસ્તકનું નામ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે, તેમાં ભારત-પાકિસ્તાનના સંબંધ વિશે ઘણી રસપ્રદ વાતો હોવી જોઈએ. ખેર, આપણે અહીં અભિનંદન વર્ધમાનની વાત કરીશું. એ દિવસે થયું એવું કે પાકિસ્તાને અભિનંદનને ઝડપી લીધા પછી ભારતે એક-બે નહીં કુલ નવ મિસાઈલના નાળચા પાકિસ્તાન તરફ ઘુમાવી દીધા હતા. એટલું જ નહીં, આ મિસાઈલનો પાકિસ્તાન સરહદ નજીક તહેનાત પણ કરી દેવાઈ હતી.
બંને દેશ પરમાણુ હથિયારો ધરાવે છે એટલે બંને દેશના રાજકીય અને સૈન્ય વર્તુળમાં ભારે તણાવ સર્જાવો સ્વાભાવિક હતો. જો કે એ દિવસે ભારત લડી લેવાના મૂડમાં હતું. ભારતની મિસાઈલો તહેનાત થતા જ પાકિસ્તાનના વડાપ્રધાન અને સૈન્યના ઈરાદા બદલાઈ ગયા. એ દિવસે મધરાતે ઈમરાન ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ફોન પણ કરતા રહ્યા. થોડી મિનિટો પહેલા અક્કડ વલણ દાખવનારું પાકિસ્તાન ગણતરીની ક્ષણોમાં વાતચીત કરવાના અંદાજમાં આવી ગયું.
એ ‘કતલની રાત’ હતીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આ પુસ્તકમાં બિસારિયાએ લખ્યું છે કે ‘એ દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવા માગતા હતા. એ રાતને વડાપ્રધાન મોદીએ ‘કતલની રાત’ ગણાવી હતી. એ ઘટના એવી છે કે, 27 ફેબ્રુઆરી 2019ના રોજ અભિનંદન વર્ધમાને પાકિસ્તાની F-16ને તોડી પાડ્યું, પરંતુ તેમના ફાઈટર જેટને પાકિસ્તાનની મિસાઈલ ટકરાઈ. છેવટે વિમાન તૂટી પડ્યું અને તેઓ પાકિસ્તાનની ધરતી પર જઈને પડ્યા અને પકડાઈ ગયા. આ સ્થિતિમાં ભારતની તૈયારી જોઈને પાકિસ્તાનની અક્કડ ઢીલી થઈ ગઈ હતી.
તો કેવી રીતે કર્યો પાકિસ્તાને ભારતનો સંપર્ક?
અજય બિસારિયાએ પુસ્તકમાં લખ્યું છે કે ‘પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વડાપ્રધાન મોદીનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ હતા. ત્યારે ભારતસ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનર સોહેલ મહમૂદે મને (બિસારિયાને) કૉલ કર્યો. તેમણે કહ્યું કે ઈમરાન ખાન વડાપ્રધાન મોદી સાથે વાત કરવા ઈચ્છે છે. પછી મેં દિલ્હી સંપર્ક કર્યો અને પછી મહમૂદને કહ્યું કે વડાપ્રધાન મોદી થોડા કલાકો માટે વાત નહીં કરી શકે. ત્યાર પછી તેમનો ફોન નહોતો આવ્યો.’
શાંતિ માટે અભિનંદનને મુક્ત કર્યાનો ઈમરાનનો દેખાડો
આ દરમિયાન 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની જાહેરાત કરી. ત્યારે પાકિસ્તાન સંસદમાં ઈમરાન ખાને કહ્યું હતું કે ‘મેં એ રાતે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જેથી બંને દેશ વચ્ચે શાંતિ જળવાઈ રહે.’ ઈમરાન દેખાડો કરતા હતા કે આપણે શાંતિ માટે ભારતીય જવાનને મુક્ત કર્યો. જો કે અમેરિકા અને બ્રિટન પણ એ વાત જાણે છે કે ભારતની ધમકી અને યુદ્ધના ડરથી પાકિસ્તાન ઝૂકી ગયું. અમેરિકા-બ્રિટનના રાજદૂતોને મિસાઈલો તહેનાત કર્યાની માહિતી ભારત અગાઉથી જ આપી ચૂક્યું હતું.
પાક. આતંકી હુમલામાં તેની ભૂમિકા સ્વીકારતું નથી
અમેરિકા-બ્રિટનના રાજદૂતોએ ભારતના વિદેશ સચિવને કહ્યું હતું કે પાકિસ્તાન અભિનંદનને નહીં છોડે. આ ઘટનાને તેઓ આતંકવાદ સાથે જોડશે. એ વાતનો પણ ભારતને અંદાજ હતો. પાકિસ્તાન મુંબઈ, પઠાણકોટ કે ઉરી હુમલામાં પોતાની ભૂમિકાનો સતત ઈનકાર કરતું રહ્યું છે. એટલે જ ભારતે આક્રમક વલણ દાખવીને મજબૂત સંદેશ આપવાની તૈયારી કરી હતી. આ માટે ભારતે વ્યૂહાત્મક પગલાં પણ લીધા હતા. વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે પાકિસ્તાન અભિનંદનને નહીં છોડે તો તે કતલની રાત હશે.