Get The App

છેલ્લા 10 વર્ષોમાં પાન-તમાકુ અને નશા પાછળ ભારતીયોનો ખર્ચ વધ્યો, શિક્ષણ પર ઘટ્યો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
છેલ્લા 10 વર્ષોમાં પાન-તમાકુ અને નશા પાછળ ભારતીયોનો ખર્ચ વધ્યો, શિક્ષણ પર ઘટ્યો 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 4 માર્ચ, 2024, સોમવાર

માવા, મસાલા, ખૈની, સિગારેટ, બીડીનાં પૅકેટ પર ચેતવણી હોય છે કે તેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે પણ તમાકુનું સેવન કરનારાઓની સંખ્યામા ઘટાડો થતો નથી. છેલ્લા 10 વર્ષમાં પાન, તમાકુ અને અન્ય માદક દ્રવ્યો પરનો ખર્ચ વધ્યો છે. લોકો તેમની આવકનો મોટો હિસ્સો આવા ઉત્પાદનો પર ખર્ચ કરી રહ્યા છે. 

સરકારી સર્વેમાં આ વાત કહેવામાં આવી છે. ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે 2022-23 દર્શાવે છે કે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કુલ ઘર ખર્ચના હિસ્સા તરીકે પાન, તમાકુ અને નશા પરનો ખર્ચ વધ્યો છે.

ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે. ભારતમાં તમાકુનાં વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતાં હોય છે.

ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં આ વસ્તુઓ પરનો ખર્ચ 2011-12માં 3.21 ટકાથી વધીને 2022-23માં 3.79 ટકા થયો છે. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં ખર્ચ 2011-12માં 1.61 ટકાથી વધીને 2022-23માં 2.43 ટકા થયો હતો. તમાકુનું સેવન કૅન્સરનું કારણ બની શકે છે.

છેલ્લા 10 વર્ષોમાં પાન-તમાકુ અને નશા પાછળ ભારતીયોનો ખર્ચ વધ્યો, શિક્ષણ પર ઘટ્યો 2 - image

શિક્ષણ પર ખર્ચ

શહેરી વિસ્તારોમાં શિક્ષણ પરના ખર્ચનું પ્રમાણ 2011-12માં 6.90 ટકાથી ઘટીને 2022-23માં 5.78 ટકા થયું હતું. 

ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તર 2011-12માં 3.49 ટકાથી ઘટીને 2022-23માં 3.30 ટકા થયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય (NSSO) એ ઓગસ્ટ, 2022 થી જુલાઈ, 2023 દરમિયાન ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (HCES) હાથ ધર્યો હતો.

સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ 2011-12માં 8.98 ટકાથી વધીને 2022-23માં 10.64 ટકા થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 2011-12માં 7.90 ટકાથી વધીને 2022-23માં 9.62 ટકા થયો હતો.


Google NewsGoogle News