'ભારત vs INDIA' વિવાદ વચ્ચે C Voterના સરવેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
સરવેમાં ભાગ લેનારા 42 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે બંધારણમાંથી 'INDIA' શબ્દ ન હટાવવો જોઈએ
જ્યારે 44 ટકા લોકો માને છે કે 'INDIA' શબ્દ હટાવી દેવો જોઈએ
C Voter દ્વારા હાથ ધરાયેલા એક વિશેષ રાષ્ટ્રવ્યાપી સરવેમાં જાણવા મળ્યું છે કે ભારત અને INDIA વિવાદ પર લોકોના વિવિધ મંતવ્યો છે. સરવેમાં 3,350 લોકોએ ભાગ લીધો હતો. સરવેમાં ભાગ લેનારા 42 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે બંધારણમાંથી 'INDIA' શબ્દ ન હટાવવો જોઈએ. જ્યારે 44 ટકા લોકો માને છે કે 'INDIA' શબ્દ હટાવી દેવો જોઈએ.
શું છે સરવેના પરિણામ?
ખાસ વાત એ છે કે જાન્યુઆરી 1950માં અપનાવવામાં આવેલ ભારતના બંધારણમાં દેશનો ઉલ્લેખ "INDIA ધેટ ઈઝ ભારત..." તરીકે કરવામાં આવ્યો છે. સરવેમાં ભાગ લેનારા પોતાને વિપક્ષી દળોના INDIA ગઠબંધનના સમર્થક ગણાવતા 50 ટકાથી વધુ ઉત્તરદાતાઓએ કહ્યું કે INDIA શબ્દને જાળવી રાખવો જોઈએ. તેનાથી વિપરીત લગભગ 56 ટકા ઉત્તરદાતાઓ જેમણે પોતાને NDA સમર્થક ગણાવ્યા છે તેઓ ઇચ્છે છે કે 'INDIA' શબ્દ દૂર કરવામાં આવે.
વિવાદ ક્યારે ઉદભવ્યો?
દિલ્હીમાં આયોજિત G20 સમિટ માટે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા ડીનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું ત્યારે INDIA શબ્દની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવતા આ વિવાદ સામે આવ્યો હતો. પરંપરાગત રીતે આવા આમંત્રણોમાં 'INDIA' શબ્દનો ઉપયોગ થાય છે. આ આમંત્રણમાં President of Bharat તરીકે રાષ્ટ્રપતિને સંબોધિત કરાયા હતા.