ભારતીયો માટે ખુશખબરઃ હવે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ શેન્ગેન વિઝા મળશે, 29 દેશોમાં હરીફરી શકાશે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
ભારતીયો માટે ખુશખબરઃ હવે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ શેન્ગેન વિઝા મળશે, 29 દેશોમાં હરીફરી શકાશે 1 - image


Schengen Visa : યુરોપિયન યુનિયને ભારતીયો માટે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ એન્ટ્રી શેન્ગેન વિઝા માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ વિઝા ધરાવતા લોકો યુરોના 29 દેશનો પ્રવાસ કરી શકે છે. હાલના શેન્ગેન વિઝાની સરખામણીમાં નવા નિયમો ભારતીયો માટે વધુ અનુકૂળ છે. નવા નિયમો પ્રમાણે ભારતમાં રહેતા ભારતીય નાગરિકો બે વર્ષની વેલિડિટી ધરાવતા વિઝા મેળવી શકશે. 

પ્રવાસીઓ 180 દિવસના ગાળામાં 90 દિવસ સ્ટે કરી શકશે

જો કે આ માટે તેમણે નિયમો પ્રમાણે મેળવેલા વિઝાનો છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ઉપયોગ કર્યો હોય તે જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિઝા પર તેમણે ત્રણ વર્ષમાં યુરોપની બે વાર મુલાકાત લીધી હોવી જોઈએ. ત્યાર પછી શરૂઆતના બે વર્ષના વિઝા પાંચ વર્ષ સુધીના થઈ શકશે. આ પ્રકારની લંબાવાયેલી સમયમર્યાદા અંતર્ગત પ્રવાસીઓ શેન્ગેન વિઝાના આધારે જે તે દેશમાં કુલ 180 દિવસના સમયગાળામાં 90 દિવસ મુક્તપણે હરીફરી શકશે. જો કે આ દરમિયાન તેઓ કોઈ પણ શેન્ગેન એરિયામાં નોકરી નહીં કરી શકે. 

શું છે શેન્ગેન વિઝા અને તેમાં કયા દેશો સામેલ છે? 

શેન્ગેન વિઝા એક એવા વિઝા છે, જે બિન યુરોપિયન લોકોને યુરોપિયન યુનિયનના દેશોમાં મુસાફરી કરવા અને ત્યાં ટૂંકા ગાળાના સ્ટેની મંજૂરી આપે છે. સામાન્ય રીતે આ વિઝાની માન્યતા પ્રવેશ તારીખથી શરૂ થાય છે અને મહત્તમ 90 દિવસ સુધી ચાલે છે. જો કે, આ વિઝા નોકરી કરવાની મંજૂરી આપતા નથી. હવે ભારતીયો પણ મલ્ટિપલ એન્ટ્રી શેન્ગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. યુરોપિયન યુનિયનના આ નવા નિયમોના પગલે ભારતથી વારંવાર યુરોપ જતા પ્રવાસીઓને લાંબી માન્યતા સાથે મલ્ટીપલ એન્ટ્રી માટે અરજી કરવાની મંજૂરી મળશે. યુરોપિયન યુનિયને 18 એપ્રિલથી આ નિયમ લાગુ કર્યા છે. 

શેન્ગેન વિઝાના આધારે 29 દેશનો પ્રવાસ કરી શકાય છે 

નવા નિયમો પ્રમાણે જો પાસપોર્ટમાં પૂરતી માન્યતા બાકી હોય, તો સામાન્ય રીતે બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા આપવામાં આવશે. આ વિઝાના આધારે ભારતીયો કુલ 29 દેશમાં પ્રવાસ કરી શકશે, જેમાં 25 યુરોપિયન યુનિયનના દેશો છે. આ દેશોમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ અને સ્વીડનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈસલેન્ડ, લેક્ટેન્સ્ટાઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પણ શેંગેન એરિયામાં આવે છે. 


Google NewsGoogle News