મૂન મિશનની તડામાર તૈયારી, નાસાનું હ્યુમન રોવર બનાવવા ભારતીય વિજ્ઞાનીઓની ટીમની પણ પસંદગી
હ્યુમન રોવર બનાવનારી વિશ્વની 30 ટીમમાં ભારતના સાત રાજ્યના 13થી વધુ વિજ્ઞાનીની ટીમને પણ સ્થાન
NASA Moon Mission : બિહારના નાગલપુર જિલ્લાના નગછિયાના રહેવાસી અને ભારતના સૌથી યુવા વિજ્ઞાની ગોપાલે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની ઓફરનો ત્રણ વખત ઈનકાર કર્યા બાદ ચોથી વખત જવાની તૈયારી કરી રહ્યા છે. 22 વર્ષીય યુવા વિજ્ઞાની ગોપાલ અને તેમની ટીમ સાથે ચંદ્ર પર ઉતરનારા હ્યુમન રોવર (Human Rover)ના પ્રેઝન્ટેશન માટે નાસા જઈ રહ્યા છે. નાસાએ વિશ્વની હજારો ટીમોમાંથી ભારતીય ટીમની પસંદગી કરી છે. સાયન્સ ઓલિમ્પિક (Science Olympiad)ની શ્રેષ્ઠ 30 ટીમોમાં તેને સ્થાન મળ્યું છે.
ગોપાલે બનાવ્યું હ્યુમન રોવર
નાસા દ્વારા 19 અને 20મી એપ્રિલે હ્યૂમન એક્સપ્લોરેન્સ રોવર ચેલેન્જ (Human Exploration Rover Challenge) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગોપાલની સંસ્થા અને ટીમની પસંદગી થઈ છે. નાસાએ વિશ્વભરમાંથી 30 ટીમોની પસંદગી કરી છે, જેમાં ભારત તરફથી એકમાત્ર ગોપાલની સંસ્થા યંગ માઈન્ડ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ (Young Mind Research and Development Org) એનજીઓનો પસંદગી થઈ છે. હવે વૈજ્ઞાનિક ગોપાલની ટીમ નાસા જશે અને ચેલેન્જ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. ગોપાલ અને તેમની ટીમ ચંદ્ર પર ઉતરનારા હ્યુમન રોવરનું નાસામાં પ્રેઝન્ટેશન કરાશે. આ રોવર 10 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે.
હ્યુમન રોવર શું છે ?
NASA ચંદ્ર પર માણસ મોકલવાની છે, તે મિશન હેઠળ ગોપાલની ટીમની પસંદગી થઈ છે. આ અંગે ગોપાલે જણાવ્યું કે, ‘ઈસરોએ તાજેતરમાં જ ચંદ્રની સપાટી પર મોકલેલું ચંદ્રયાન સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. તમે તેમાંથી રોવર નીકળ્યું હોવાનું અને ડેટા મોકલી રહ્યું હોવાનું સાંભળ્યું હશે. આ જ રીતે જે મશીનમાં વ્યક્તિ બેસીને ત્યાં ઉતરવાનો છે, અમે તેને રોવર કહીએ છીએ અને તે રોવર અમારી ટીમે બનાવ્યું છે. અમારા રોવરનું ત્યાં પ્રેઝન્ટેશન કરાશે. જો અમે જીતીશું તો તે ભારતની પહેલી જીત હશે કારણ કે નાસાના પ્રેઝન્ટેશન કાર્યક્રમમાં આજ સુધી ભારતની ટીમ જીતી નથી. અમે આ વર્ષે તમામ પ્રયાસો કરીશું. અમે ભારતને જરૂર ગોલ્ડ મેડલ અપાવીશું.’
સાત રાજ્યોના યુવા વિજ્ઞાનીઓએ ‘હ્યુમન રોવર’ બનાવ્યું
નાસાએ વિશ્વભરની હાઈસ્કૂલોમાંથી 30 ટીમોની પસંદગી કરી છે, જેમાં ગોપાલની ટીમ પણ સામેલ છે. બિહારના 22 વર્ષીય ગોપાલ ટીમના મેન્ટર રહેશે. તેમની સાથે 13થી વધુ લોકો પણ સામેલ છે, જેમાં બિહાર (Bihar)ના ચાર વિજ્ઞાની તનિષ્ક ઉપમન્યુ, કારૂણ્ય ઉપમન્યુ, સૂર્યનારાયણ રજક, દિલ્હી (Delhi)થી આસના મિનોચા, કિયાન કનોડિયા, ઓડિશા (Odisha)થી આરૂષિ પૈકરે, હરિયાણા (Haryana)થી લોકેશ, આર્ય, અરૂણ, રાજસ્થાન (Rajasthan)થી ઐશ્વર્યા મહાજન, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી ઓમ, પલ્લવી, સમીર યાસીન, ઉત્કર્ષ અને રોહિત, જ્યારે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માંથી પઠાણ સુલેમાન, યુએસએની સુનૈના સાહૂ સામેલ છે. આ ટીમ M3M ફાઉન્ડેશનની મદદથી નાસા જશે.