CM બનતાં જ પ્રથમ ચૂંટણી હારી ગયા મોહન યાદવ, ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં મળ્યા 5 મત
આજે યોજાયેલી WFIની ઉપપ્રમુખની ચૂંટણીમાં મોહન યાદવને માત્ર 5 મત મળ્યા
મોહન યાદવે મધ્યપ્રદેશના CM બન્યા પહેલા ઉમેદવાર ફોર્મ ફર્યું હતું
ભોપાલ, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર
Wrestling Federation of India Election : મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતાં જ પ્રથમ ચૂંટણી હારી ગયા છે. તેઓ ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખની ચૂંટણી લડી રહ્યા હતા. વાસ્તવમાં ભારતીય કુસ્તી સંઘ (WFI) માટે 4 ઉપપ્રમુખની પસંદગી થવાની હતી. મોહન યાદવે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની તારીખ સુધી તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ન હતા. મોહન યાદવને 13 ડિસેમ્બર-2023ના રોજ મુખ્યમંત્રી બનાવાયા. જોકે ત્યાં સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ હાથમાંથી નીકળી ગઈ હતી.
મોહન યાદવને મળ્યા માત્ર 5 મત
દરમિયાન આજે ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળના અસીત કુમાર સાહા, પંજાબના કરતાર સિંહ, મણિપુરના એન ફોને અને દિલ્હીના જયપ્રકાશ જીતી ગયા છે અને આ ચૂંટણીમાં મોહન યાદવ હારી ગયા છે. તેમને માત્ર 5 મત મળ્યા છે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (Madhya Pradesh CM Mohan Yadav) વર્તમાનમાં મધ્યપ્રદેશ કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભારતીય કુસ્તી સંઘના ઉપપ્રમુખ છે.
અધ્યક્ષ પદની ચૂંટણી
અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સંજય કુમાર સિંહે 40 વોટ મેળવી જીત મેળવી છે અને ઓડિશાથી ચૂંટણી લડેલા અનિતાને 7 મત મળ્યા છે. સંજય કુમાર બ્રિજભૂષણ સિંહના નજીકના હોવાનું મનાય છે. જ્યારે વરિષ્ઠ અધ્યક્ષ પદની ચૂંટણીમાં આસામના દેવેંદરને 32 વોટ અને ગુજરાતના આઈ.ડી.નાનાવટીને 15 મત મળ્યા છે.
ઉપપ્રમુખની ચૂંટણી
ઉપપ્રમુખ પદ માટે 4 લોકોની નિમણૂક કરવાની હતી, જેમાં પંજાબના કરતાર સિંહને 44 મત, પશ્ચિમ બંગાળના અસિત કુમાર સાહાને 42 મત, મણિપુરના એન.ફોનીને 38 મત, દિલ્હીના જય પ્રકાશને 37 વોટ મળ્યા છે, જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવને માત્ર 5 વોટ મળતા તેઓ ચૂંટણી હારી ગયા છે.
પ્રધાન સચિવ પદની ચૂંટણી
પ્રધાન સચિવ પદની ચૂંટણીમાં ગુજરાતના પ્રેમ ચંદ લોચબને 27 મત અને ચંડીગઢના દર્શન લાલને 19 મત મળ્યા છે. સંયુક્ત સચિવ પદની ચૂંટણીમાં આંધ્રપ્રદેશના આર.કે.પુરૂષોત્તમને 36 મત, કર્ણાટકના કે.બેલિપડી ગુણરંજન શેટ્ટીને 34 મત, હરિયાણાના રોહતાશ સિંહને 10 મત અને હિમાચલ પ્રદેશના કુલદીપ સિંહને 9 મત મળ્યા છે. ખજાનચી પદની ચૂંટણીમાં ઉત્તરાખંડના સત્યપાલ સિંહ દેસવાલને 34 મત અને જમ્મુ-કાશ્મીરના દુષ્યન્ત શર્માને 12 મત મળ્યા છે.
કાર્યકારી સભ્યની ચૂંટણી
કાર્યકારી સભ્યની ચૂંટણીમાં છત્તીસગઢના પ્રશાંત રાયને 37 મત, ઝારખંડના રજનીશ કુમારને 37 મત, તમિલનાડુના એમ.લોગાનાથનને 36 મત, નાગાલેન્ડના નેવિકુઓલી ખાત્સીને 35 મત, રાજસ્થાનના ઉમ્મેદ સિંહને 34 મત, આસામના રતુલ સરમાને 9 અને જમ્મુ-કાશ્મીરના અજય વૈદને 8 મત મળ્યા છે.