રાષ્ટ્રપતિના હસ્તે સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ, જાણો તેની ખાસિયત
Supreme Court New Flag: ભારતીય સુપ્રીમ કોર્ટને તેની 75મી વર્ષગાંઠ પર એક નવો ધ્વજ મળ્યો છે. સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ પર સંસ્કૃત ભાષામાં 'યતો ધર્મસ્ય તતો જય' લખવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે 'જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.' ભારત મંડપમ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના નવા ધ્વજની વિશેષતા શું છે?
સુપ્રીમ કોર્ટના આ નવા ધ્વજમાં સંસ્કૃત શ્લોક 'યતો ધર્મસ્ય તતો જય' લખાયેલું છે, જેનો અર્થ છે કે જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે. આ ધ્વજમાં સૌથી ઉપર અશોક ચક્ર છે, મધ્યમાં સુપ્રીમ કોર્ટની ઇમારત અને સૌથી નીચે બંધારણનું પુસ્તક છે. આ નવો ધ્વજ અને પ્રતીકનો ઉપયોગ ક્રોસ ટેબલ ફ્લેગ, સિંગલ ટેબલ ફ્લેગ, કાર ફ્લેગ્સ, પોલ ફ્લેગ અને લાકડાના ફ્રેમમાં પણ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિએ ન્યાયાધીશોને સંબોધિત કર્યા
આ પ્રસંગે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, 'ઝડપી ન્યાયની ખાતરી કરવા માટે અદાલતોમાં 'મોકૂફની સંસ્કૃતિ' બદલવાના પ્રયત્નો કરવાની જરૂર છે. અદાલતોમાં બાકી રહેલા કેસ આપણા બધા માટે એક મોટો પડકાર છે.'
ચીફ જસ્ટિસ પણ હાજર રહ્યા હતા
રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ન્યાયની સુરક્ષા એ દેશના તમામ ન્યાયાધીશોની જવાબદારી છે. કોર્ટના વાતાવરણમાં સામાન્ય લોકોના તાણનું સ્તર વધી જાય છે.' તેમણે આ વિષય પર એક અભ્યાસ કરવા પણ સૂચના આપી હતી અને તેમણે મહિલા ન્યાયિક અધિકારીઓની સંખ્યામાં વધારા અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર ચાર્જ) અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા હતા.