છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા 403 વિદ્યાર્થીનાં મોત, રાજ્યસભામાં સરકારે આપી ડરામણી વિગતો
ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ કેનેડામાં 91 મૃત્યુ થયા, ત્યારબાદ બ્રિટન બીજા ક્રમે
અમેરિકામાં 36 ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લે 2018થી અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા
image : Envato |
Canada Indian Student Death Report: ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ (Indian Student Abroad) અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018 થી વિદેશોમાં વિવિધ કારણોસર 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયાનો ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા છે.
વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં માહિતી આપી હતી કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, 2018થી વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની 403 ઘટનાઓ સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેનેડામાં 2018થી અત્યાર સુધીમાં 91 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારબાદ બ્રિટન(48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની- સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપાઇન્સ (10)નો નંબર આવે છે.
ભારતીય વિદ્યાર્થીઓની મદદ સરકારની પ્રાથમિકતા
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા એ ભારત સરકારની સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાંની એક છે. તેના માટે મિશન/પોસ્ટના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના સંગઠનો સાથે નિયમિત વાર્તાલાપ કરવા યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે આ માટે ભારતીય મિશન અને પોસ્ટ્ સતર્ક રહે છે અને વિદ્યાર્થીઓની ભલાઈ પર નજીકથી નજર રાખે છે.